બિલમાં ઈથેનોલ મિશ્રણની જાણકારી,
જુની ગાડીઓને રાહતની માગ : સરકારે કહ્યું, ઊ-20નો વિકલ્પ આપવો શક્ય નથી
નવી દિલ્હી, તા. 10 : પેટ્રોલમાં
ઈથેનોલ ભેળવવાનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. દેશભરમાં ઈથેનોલ અંગેના
નિર્ણયની આલોચના થઈ રહી છે. કેન્દ્ર સરકાર અને કાર કંપનીઓ ઈથેનોલના પક્ષમાં દલીલો કરી
રહ્યા છે. તેવામાં હવે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ (ઈ20) ભેળવવાની પોલિસીને પડકારતા સુપ્રીમ
કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ગ્રાહકોને જાગૃત કરવાના જરૂરી
ઉપાય કરવા, ફ્યૂલ ડિસ્પેંસર ઉપર ઈથેનોલની માત્રા બતાવવા અને જુની ગાડીઓ માટે સાદુ પેટ્રોલ
ઉપલબ્ધ કરાવવાની માગણી થઈ છે.
આ જનહિતની અરજી વકીલ નરેન્દ્ર
મિશ્રાએ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક પેટ્રોલ પંપને ડિસ્પેન્સિંગ
નોઝલ અને ઈંધણના બિલ ઉપર પેટ્રોલમાં ભેળવવામાં આવેલા ઈથેનોલની ટકાવારી સાફ બતાવવી જોઈએ.
અરજકર્તા અનુસાર ગ્રાહકને યોગ્ય રીતે જાણકારી આપ્યા વિના ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ,
ખાસ કરીને ઈ20 ઈંધણ વેચવું ગ્રાહકોના અધિકારનું ઉલ્લંઘન છે કારણ કે ઘણા જુના વાહન ઈ20થી યોગ્ય રીતે કામ કરી શકતા નથી.