ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને મંત્રાલયના સચિવોને ફરીથી આપ્યા નિર્દેશ : રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાનના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા કહ્યું
નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસન અને કેન્દ્ર સરકારના મંત્રાલયોને નવા નિર્દેશ આપ્યા છે. જેમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને ગાવા અને વગાડવા સંબંધિત નિયમોને દોહરાવવામાં આવ્યા છે, તેમજ નિયમોનું કડકાઈથી પાલન કરવા કહેવાયું છે. ગૃહ મંત્રાલયે એક પત્રમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તેમજ પ્રશાસકોની સાથે સાથે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને નિર્દેશ આપ્યા છે. આ પત્ર સાથે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સંબંધિત પહેલાથી જાહેર આદેશ મોકલવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આદેશોમાં એવા તમામ અવસરોની યાદી આપવામાં આવી છે, જ્યાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને ગાવું કે વગાડવું જરૂરી છે. સાથે જ એવા અવસરોની પણ જાણકારી આપી છે જ્યાં બન્ને ગાઇ કે વગાડી શકાશે. આદેશોમાં બતાવાયું છે કે જ્યારે કોઈપણ એક કાર્યક્રમમાં બન્ને પ્રસ્તુત કરવાના હોય તો કાર્યક્રમની શરૂઆત અને અંતમાં તેના ઉપયોગના શું નિયમો રહેશે.
ગૃહ મંત્રાલયે દોહરાવ્યું છે કે જ્યારે પણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બન્ને એકસાથે પ્રસ્તુત કરવાના હોય ત્યારે સૌથી પહેલા રાષ્ટ્રગીત ગાવું જોઈએ અને બાદમાં રાષ્ટ્રગાન થશે. મંત્રાલયે સાફ કર્યું હતું કે જે રાજ્યોમાં રાજ્યગીત પણ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યાં રાજયગીતને પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત સાથે ગાવામાં કે વગાડવામાં આવશે.
ગૃહ મત્રાલયે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન પ્રસ્તુત કરતા સમયે તેના સાચા શબ્દ, ભાષા અને યોગ્ય ઉચ્ચારાણનું કડકાઈથી પાલન કરવું જોઈએ. આ માટે પ્રમાણિક પાઠ અને યોગ્ય ઉચ્ચારણ મંત્રાલયની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. મંત્રાલયે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે પોતાના અધિકાર ક્ષેત્રના અંતર્ગત આવતા સંસ્થાનો અને સંગઠનોને જરૂરી નિર્દેશ જાહેર કરે જેથી નિયમોનું કડકાઈથી પાલન થઈ શકે.