• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સૌરાષ્ટ્રના જળાશયોમાં વરસાદી આવક છતાં સ્થિતિ અસમાન !

સુરેન્દ્રનગર-મોરબીમાં પાણીની સારી આવક, રાજકોટની સ્થિતિ મધ્યમ તો દ્વારકા-જામનગરમાં હજુ ચિંતા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા.2 : સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે, પરંતુ વિવિધ જિલ્લાઓમાં જળસંગ્રહની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે પડેલા સાર્વત્રિક વરસાદને પગલે રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના જળાશયોમાં ક્યાંક સારો સંગ્રહ થયો છે તો ક્યાંક હજુ વધુ વરસાદની જરૂરિયાત છે. સૌરાષ્ટ્રમાં વરસાદથી જળાશયોની સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ પાણીનો સંગ્રહ જિલ્લાવાર અસમાન છે. જ્યાં ભારે વરસાદ પડયો ત્યાં ડેમો ભરાયા છે, જ્યારે ઓછા વરસાદવાળા વિસ્તારો હજુ આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં કુલ 27 જળાશયોની કુલ ક્ષમતા 21,627 મી.ક્યુ.ફૂટ સામે હાલ 9,395 મી.ક્યુ.ફૂટ પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે કુલ ક્ષમતાના 43.44 ટકા જેટલો છે. રાજકોટના ભાદર-2 ડેમમાં 88.57 ટકા, આજી-2માં 73.29 ટકા અને આજી-3માં 59.27 ટકા પાણી ભરાયું છે. મોરબી  જિલ્લામાં ગઈકાલે 10 ઈંચ જેટલો વરસાદ પડી જતા સ્થિતિ વધુ સારી છે. અહીં કુલ જળાશયોમાં 68.72 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મચ્છુ-2 અને માળમણી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે ધોડાધ્રોઈ ડેમ પણ 96.89 ટકા સુધી પહોંચ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી સારી સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી છે. અહીં કુલ 81.21 ટકા જળસંગ્રહ નોંધાયો છે અને અનેક જળાશયો 100 ટકા ભરાયા છે. બીજી તરફ જામનગર અને દ્વારકા જિલ્લામાં હજુ પાણીની સ્થિતિ નબળી છે. જામનગરમાં માત્ર 11 ટકા, જ્યારે દ્વારકા જિલ્લામાં માત્ર 1.12 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આગામી વરસાદી રાઉન્ડ આ વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક