મોડી રાત્રે બાઇક સ્લીપ થયા બાદ છકડો રિક્ષા, દીવાલ અને થાંભલા સાથે અથડાઈ : પરિવારજનો દીવ પહોંચતાં હોસ્પિટલમાં કરુણ દૃશ્યો
(ફૂલછાબન્યૂઝ)
દીવ, તા.8 : કેન્દ્રશાસિત પ્રદેશ
દીવના સાઉદવાડી મેઈન રોડ પર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર
અકસ્માતમાં પોરબંદરના બે યુવાનના મૃત્યુ નીપજ્યાં હતા. બાઇક સ્લીપ થયા બાદ છકડો રિક્ષા
તેમજ રસ્તા કિનારાની દીવાલ અને થાંભલા સાથે અથડાતા બંને યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી.
પોરબંદરથી છ મિત્ર દીવ ફરવા આવ્યા
હતા અને હોટેલમાં રોકાયા હતા. તે પૈકી જય નરશીભાઈ લોઢારી અને યોગેશ છગન ચાવડા રાત્રે
આશરે 1:15 વાગ્યે બાઇક પર વણાંકબારાથી સાઉદવાડી તરફ નીકળ્યા હતા. ચંદ્રેશ્વર મહાદેવ
મંદિર પાસે અચાનક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્મતમાં બંને યુવાનને માથા
અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમને તાત્કાલિક દીવની સરકારી હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
અકસ્મતની જાણ થતાં વણાંકબારા
કોસ્ટલ પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર લકમણ સહિતની ટીમ તથા દીવ પોલીસ ઘટનાસ્થળે
પહોંચી હતી. પોલીસે અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી. બે યુવાનના અચાનક મૃત્યુના સમાચારથી પોરબંદરથી સાથે આવેલા મિત્રો અને
પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો સવારના સમયે દીવ હોસ્પિટલ
પહોંચ્યા હતા. પોતાના સ્વજનના મૃતદેહ જોઈ પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ
ગમગીન બની ગયું હતું.