• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ઇન્ટરનેશનલ કાયકિંગ સ્પર્ધામાં જામનગરના યુવા સાહસિકનો વિજય

કેરળમાં યોજાયેલી એશિયાની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સિંચાઈ વિભાગના આસિ. એન્જિ. નચિકેતા ગુપ્તાએ ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાતને ઐતિહાસિક વિજય અપાવી રાજ્યના પ્રથમ કાયકર બનવાનું બહુમાન

જામનગર, તા. 8 : એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકીની એક એવી ‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયાકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લિટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર, ક્લાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાનાં નામે કર્યો છે. આ વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બનવાનું બહૂમાન મેળવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, કાયાકિંગ એ વિશ્વની અત્યંત પ્રતિષ્ઠિત રમત છે અને તેની કેટલીક શાખાઓ ઓલિમ્પિકમાં પણ સામેલ છે. જેમાં ‘વ્હાઇટ વોટર કાયાકિંગ’ને સૌથી વધુ સાહસિક માનવામાં આવે છે. પર્વતીય નદીઓના તેજ પ્રવાહ, વિશાળ મોજાં અને ખડકો વચ્ચે કાયક ચલાવવા માટે અસાધારણ તકનિક અને મજબૂત શારીરિક તથા માનસિક ધૈર્યની જરૂર પડે છે. સરકારી સેવાની વ્યસ્ત અને જવાબદારી પૂર્વકની ફરજોની સાથે-સાથે અવિરત મહેનત અને કઠોર તાલીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુકામ હાંસલ કરનાર નચિકેતા ગુપ્તા આ પૂર્વે સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોમાં પણ ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

 તેમની આ સિદ્ધિ માત્ર એક મેડલ પૂરતી સીમિત ન રહેતા ગુજરાતના સાહસિક રમતગમતના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરે છે અને રાજ્યમાં વ્હાઇટ વોટર કાયાકિંગ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ સૂચવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક