• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

શ્રાવણ પૂર્વે સૂકામેવા મોંઘાદાટ : યુદ્ધથી આયાત મોંઘી

અમેરિકા-ઈરાન યુદ્ધની અસરથી શિપિંગ ભાડા અને ઈન્સ્યોરન્સ પ્રિમિયમ વધતા આયાતી બદામ, પિસ્તાના ભાવમાં તોતિંગ ઉછાળો

(ફૂલછાબન્યૂઝ)

રાજકોટ, તા.8 : ભક્તિ, વ્રત-ઉપવાસનો શ્રાવણ મહિનો હવે શરૂ થવાના દિવસો ગણાય રહ્યા છે ત્યારે દૈનિક પૂજા સામગ્રી-પ્રસાદ તથા ફરાળી આઇટમો-મીઠાઇમાં છૂટથી વપરાતા સૂકામેવા મોંઘા થઇ ગયા છે. અમેરિકા ઇરાન વચ્ચેના યુદ્ધને લીધે સપ્લાય ચેઇન ખોરવાઇ છે અને લોજીસ્ટિકની પણ સમસ્યા વધતા અછતના કારણે તમામ સૂકામેવાના ભાવ 20 ટકા સુધી ઉંચકાઇ ગયા છે. કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા જેવા સૂકામેવાના ભાવમાં 15 થી 20 ટકાનો ભાવવધારો નોંધાયો છે. અમેરિકન અને ઈરાની બદામ-િપસ્તાના ભાવ ખૂબ વધી જતા ઘરાકી પ્રભાવિત થઇ છે. રાજકીય તણાવ અને યુદ્ધની અસરે આયાતી માલના શિપમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન પર ગંભીર અસર પડી છે. ભાવવધારા પાછળ આ પરિબળ જવાબદાર છે. રાજકોટના સૂકામેવાના એક વેપારીના જણાવ્યા મુજબ ભારતમાં મોટાભાગના સૂકામેવા આયાત કરવામાં આવે છે. અમેરિકાથી બદામ અને ઈરાનમાંથી પિસ્તા, અંજીર અને ખજૂરનીમોટા પાયે આયાત થાય છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે દરિયાઈ માર્ગો પર ભયનું વાતાવરણ સર્જાયું છે. શાપિંગ કંપનીઓએ  નૂરભાડાં અને ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં જંગી વધારો કરી દીધો છે. જેના કારણે આયાતી માલ ભારતીય બંદરો સુધી પહોંચતા સુધીમાં ખૂબ મોંઘો પડી રહ્યો છે. આ ઉપરાંત હવે એરકાર્ગો મારફત પણ માલ લાવવો પડી રહ્યો હોવાથી પરિવહન ખર્ચ મોંઘો થયો છે. ઈરાનથી આવતા પિસ્તા, મામરો બદામ અને અમેરિકાથી આવતી બદામના ભાવમાં 15 થી 20 ટકા જેટલો વધારો થયો છે. બદામ અને પિસ્તા બાદ ભારતમાં જ પ્રોસેસીંગ થતા કાજુના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ચાલુ વર્ષે કાજુનું ઉત્પાદન ઓછું હોવાથી આગામી દિવસોમાં રૂ.100-200 મોંઘા બની શકે છે. ધર્મેન્દ્ર રોડ પર શ્રી ડ્રાયફ્રૂટના વિજય જાદવ જણાવે છે કે, દર વર્ષે તહેવારોની સિઝનમાં સૂકામેવાની માંગ 20 થી 30 ટકા વધી જતી હોય છે. પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે. ભાવ વધારાને લીધે ઘરાકી સાવ તૂટી ગઇ છે. માલની આયાત ઘટી છે. સૂકામેવાના કન્ટેનર સમયસર બંદરો પર પહોંચી રહ્યા નથી. ભાડાં વધવાના કારણે અમારે પણ ઊંચા ભાવે માલ ખરીદવો પડી રહ્યો છે. હાલ પુરતો જૂનો સ્ટોક હોવાથી વેપાર ચાલી રહ્યો છે. પરંતુ નવો સ્ટોક ખૂબ મોંઘો આવી રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક