રાજકોટ, અમદાવાદ, તા. 16: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 24થી 28 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોમાં આશા તો વધી છે, પરંતુ આગામી તહેવારો દરમિયાન ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા પણ વધી શકે છે.
હાલ આશ્લેષા નક્ષત્રના પ્રભાવ
હેઠળ રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ
શકે છે. 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની
સંભાવના છે. ત્યાર બાદ આવનારું મઘા નક્ષત્ર કૃષિ માટે અનુકૂળ રહેવાની શક્યતા છે, જેના
કારણે પાકને સારો લાભ મળી શકે છે. 20થી 22 ઓગસ્ટ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના પશ્ચિમ
ઘાટના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.
આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી સહિતના વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટાં પડવાની
સંભાવના છે.
24થી 28 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની
શક્યતા
23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું
જોર ધીમે ધીમે વધવાની આગાહી છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં મજબૂત હવામાન
સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેના પ્રભાવ હેઠળ 24થી 28 ઓગસ્ટ
દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 26
ઓગસ્ટ બાદ વરસાદ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે અને 31 ઓગસ્ટ સુધી વરસાદી
માહોલ યથાવત્ રહેવાની આગાહી છે.