‘હબ એન્ડ સ્પોક’ મોડલથી ITI ક્લસ્ટરને ઉદ્યોગ સાથે સીધા જોડવાની વ્યૂહરચના
ઋષિકેશ વ્યાસ
અમદાવાદ, તા.16 : ગુજરાતમાં સરકારી
આઇટીઆઇમાં તાલીમ લેતા યુવાનો માટે હવે માત્ર પ્રમાણપત્ર મેળવવું પૂરતું નહીં રહે પરંતુ
તાલીમ પૂરી થયા બાદ ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે રોજગાર મેળવવા સક્ષમ બને તે દિશામાં
આઇટીઆઇની આખી વ્યવસ્થાને બદલવાની નવી કવાયત શરૂ થઈ છે.
પીએમ સેતુ હેઠળ ગુજરાતમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડલથી
આઇટીઆઇ ક્લસ્ટરને ઉદ્યોગ સાથે સીધા જોડીને આધુનિક બનાવવાની વ્યૂહરચના અમલમાં આવી રહી
છે. સુરત ક્લસ્ટરને મંજૂરી મળ્યા બાદ હવે ભરૂચમાં આ જ દિશામાં રૂ. 361.50 કરોડના અંદાજિત
પ્રોજેક્ટ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. જો સુરત અને ભરૂચ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં
આ મોડલથી તાલીમ અને રોજગાર વચ્ચેનું અંતર ખરેખર ઘટશે તો રાજ્યના અન્ય આઇટીઆઇ ક્લસ્ટરોમાં
પણ આ પ્રકારના ઉદ્યોગ-સંચાલિત મોડલને વધુ વેગ મળવાની શક્યતા નકારી શકાય નહીં. આ પરિવર્તનની
સૌથી મોટી ખાસિયત એ છે કે, ઉદ્યોગો હવે માત્ર આઇટીઆઇમાંથી તાલીમ લીધેલા યુવાનોને નોકરી
આપનાર નહીં રહે પરંતુ તાલીમની દિશા નક્કી કરનારા બનશે.
ગુજરાતમાં આ નવી દિશાનો મોટો
પ્રયોગ સુરત આઇટીઆઇ કલસ્ટરથી શરૂ થયો છે. સુરતને હબ બનાવીને મહિલા આઇટીઆઇ સુરત, હજીરા,
બારડોલી અને સચિનની આઇટીઆઇને સ્પોક તરીકે જોડવામાં આવી છે. આ ક્લસ્ટર માટે એક જાણીતી
ઔદ્યોગિક કંપનીને એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર બનાવવામાં આવ્યું છે. આ મોડલમાં માત્ર મશીનરી
નહીં, આધુનિક પ્રયોગશાળાઓ, વર્કશોપ, સ્માર્ટ
વર્ગખંડો, ડિજીટલ શિક્ષણ, અભ્યાસક્રમનું આધુનિકીકરણ, શિક્ષકોની તાલીમ, ઉદ્યોગ સંચાલિત
વ્યવસ્થા જેવા ફેરફારોનો સમાવેશ થાય છે. સુરત ક્લસ્ટરમાં પાંચ વર્ષમાં આશરે 25 હજાર
તાલીમાર્થીની નોંધણી અને 3,528 વધારાની તાલીમ બેઠકોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ભરૂચ માટે રૂ. 361.50 કરોડના
પ્રોજેક્ટમાં એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનરની પસંદગી કરવામાં આવશે અને એન્કર ઇન્ડસ્ટ્રી
પાર્ટનરની પસંદગી માટે ટેન્ડર બહાર પાડી દેવાયું છે.