-
રાજકોટમાં જન્માષ્ટમીનો
સૌથી મોટો લોકમેળો યોજાય છે જ્યાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના
અનેક લોકો કમાણી અર્થે આવે છે
રાજકોટ,તા.2:
(ફૂલછાબ ન્યૂઝ) રાજકોટમાં બુધવારથી શરૂ થઇ રહેલો ‘િવરાસતથી વિકાસ-2026’ લોકમેળો માત્ર
મનોરંજન અને આનંદનો ઉત્સવ બની રહેવાનો છે પણ પરપ્રાંતીય અને સ્થાનિક એવા અનેક પરિવારો માટે રોજગારનો અવસર પણ બનશે. ગુજરાત સહિત
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા રાઈડધારકો, મજૂરો અને કલાકારો માટે આ મેળો આવકનું મોટું
સાધન બની રહે છે. રાજકોટની આસપાસ અનેક ગામોમાં સમાંતર મેળા યોજાય છે. બધે નાની મોટી
રોજગારી મળે છે.
મેળામાં
વિવિધ પ્રકારની રાઈડ્સ, મનોરંજનના સાધનો અને આકર્ષણો જોવા મળશે. ચમકધમકની પાછળ હજારો
લોકોની મહેનત અને તેમની રોજીરોટી જોડાયેલી છે. મેળો શરૂ થાય તે પહેલાં યુપી, બિહાર,
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સ્ટોલ ધારકો, મજૂરો
અને રાઈડધારકો રાજકોટ આવી ગયા છે. સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોમાં પણ મોટી સંખ્યામાં આવ્યા
છે.
ગુજરાતમાં
વર્ષ દરમિયાન યોજાતા વિવિધ મેળાઓ હજારો પરિવારો માટે આવકનું સાધન બને છે. મેળાની સિઝન
દરમિયાન અન્ય રાજ્યના અનેક લોકો પરિવાર સાથે એકથી બીજા શહેરમાં જઈને કામ કરે છે.
રાજસ્થાનથી
મોટી સંખ્યામાં મજૂરો અને રાઈડધારકો રાજકોટ આવ્યા છે. ઘણા પરિવારો માટે મેળાની સિઝન
જ વર્ષભરની આવકનો મુખ્ય આધાર હોય છે. ઉત્તર પ્રદેશના રાઈડરોની સંખ્યા નોંધપાત્ર હોય
છે, જે પોતાના કૌશલ્ય અને હિંમતના આધારે મોતના કૂવામાં કરતબો કરે છે.
મેળા
સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ વ્યવસાય માત્ર કમાણીનું સાધન નથી, પરંતુ પેઢીઓથી
ચાલતી આવતી પરંપરા પણ છે. ઘણા પરિવારો વર્ષોથી મેળાઓ સાથે જોડાયેલા છે અને તેમના બાળકો
પણ આ વ્યવસાયમાં જોડાઈ રહ્યા છે.