• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

વરસાદ, ભૂસ્ખલન વચ્ચેય આસ્થા અડગ : ચારધામમાં વિક્રમી શ્રદ્ધાળુ

-ઓગસ્ટમાં ચાર વર્ષમાં સૌથી વધુ 2.31 લાખ શ્રદ્ધાળુએ કર્યાં દર્શન

નવી દિલ્હી, તા. 2 : ઓગસ્ટમાં વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે પણ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ એક નવો વિક્રમ બનાવ્યો છે. ચાર વર્ષમાં પહેલી વખત ઓગસ્ટમાં ચારધામ યાત્રામાં સૌથી વધુ યાત્રાળુઓ આવ્યા છે. આ વર્ષે કુલ 2,31,518 યાત્રાળુઓએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લીધી હતી.

1.25 લાખથી વધુ યાત્રાળુઓએ બદ્રીનાથધામની મુલાકાત લીધી હતી, જે સૌથી વધુ શ્રદ્ધાળુઓની સંખ્યા હતી. ત્રણ વર્ષ પછી આ ઓગસ્ટમાં કેદારનાથમાં પણ સૌથી વધુ શિવભક્તો આવ્યા હતા. ઓગસ્ટ 2022માં, 2,67,000થી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી. આ વર્ષે 19 એપ્રિલે શરૂ થયેલી ઉત્તરાખંડની ચારધામ યાત્રા જુલાઈમાં ધીમી પડી ગઈ હતી. જો કે, ઓગસ્ટમાં ભારે વરસાદ, બંધ હાઇવે અને ભૂસ્ખલન છતાં રેકોર્ડ સંખ્યામાં યાત્રાળુઓ પહોંચ્યા હતા. આ ઓગસ્ટમાં ગયા વર્ષ કરતાં 93,680 યાત્રાળુઓ વધુ અને 2024 કરતાં 1,18,502 યાત્રાળુઓ વધુ જોવા મળ્યા છે એમ હેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2026માં ઉત્તરાખંડના પવિત્ર શીખ તીર્થસ્થળ હેમકુંડ સાહિબની મુલાકાતે પણ 67,863 યાત્રાળુઓની વિક્રમી સંખ્યા હતી. 1 જૂનથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં 2.89 લાખ યાત્રાળુઓ આવી ચૂક્યા છે. ગયા વર્ષે સમગ્ર સિઝન દરમિયાન 2,74,000 યાત્રાળુઓ પહોંચ્યા હતા. આ રેકોર્ડ માત્ર 40 દિવસ પહેલાં જ તૂટી ગયો હતો.

દરમ્યાન, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનો બીજો તબક્કો 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળના જણાવ્યા અનુસાર ચોમાસું ઓછું થયા પછી હવામાન હેલિકોપ્ટર ફ્લાઇટ્સ માટે સલામત રહેવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક