જળવાયુ
પરિવર્તન સંબંધિત આફત માટે ભારત, ચીનને જવાબદાર ગણાવ્યા
નવી
દિલ્હી, તા. 2 : વિનાશકારી પૂર બાદ નેપાળે આંતરરાષ્ટ્રીય મદદને લઈને પોતાનું વલણ સ્પષ્ટ
કરતા ‘જળવાયુ વળતર’ની માગણી કરી છે. નેપાળના કહેવા પ્રમાણે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં
તેનું યોગદાન ખુબ જ ઓછું છે. તેમ છતાં જળવાયુ પરિવર્તનની સૌથી ગંભીર અસર હિમાલયી દેશોને
સહન કરવી પડે છે. ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે અને કુદરતી આફત વધી રહી છે.
રિપોર્ટ
અનુસાર વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું હતું કે નેપાળ હવે જળવાયુ આફતો બાદ મળતી સહાયને
માત્ર માનવીય મદદના રૂપમાં જોવા નથી ઈચ્છતું. આ દાનનો મામલો નથી પણ જળવાયુ સંકટ માટે
જવાબદારી નક્કી કરવા અને પ્રભાવિત દેશોને વળતર આપવાનો સવાલ છે. આ મામલે આંતરરાષ્ટ્રીય
ભાગીદારોને ઔપચારિક ક્લાઈમેટ વળતર લેટર પણ મોકલવામાં આવ્યો છે. નેપાળે સંયુક્ત રાષ્ટ્ર
પાસે પાંચ અબજ ડોલરની મદદ માગી છે.
નેપાળના
વિદેશ મંત્રીએ ચીન, અમેરિકા અને ભારતને દુનિયાના પ્રમુખ ઔદ્યોગિક ઉત્સર્જકોમાં સામેલ
ગણાવતા કહ્યું હતું કે, આવા દેશોની જવાબદારી બને છે કે નેપાળ જેવા જળવાયુ સંવેદનશીલ
દેશોની મદદ કરે. ચીન દુનિયાનું સૌથી મોટું ઔદ્યોગિક ઉત્સર્જક છે. બાદમાં નેપાળ અને
અમેરિકાનો ક્રમ આવે છે. આ દેશની જવાબદારી પણ વધારે હોવી જોઈએ.