• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

7.8 ટકા: GDPનાં આંકડાથી વિવાદ

-રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ : વાસ્તવિક GDP 2.6 ટકા હોવાનો દાવો સરકારે ફગાવતાં આંકડાને ગણાવ્યો વિશ્વાસપાત્ર

 

નવી દિલ્હી, તા.2: સમગ્ર દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે ત્યારે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.8 ટકા જેટલો રિઝર્વ બેન્કનાં 7 ટકાનાં અનુમાન કરતાં પણ વધુ રહેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે અને રાજકીય ચર્ચા પણ આક્રમક બની ગઈ છે. આમાં પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જૂન ત્રિમાસિક અવધિ માટે વૃદ્ધિદર વાસ્તવમાં ફક્ત 2.6 ટકા હોવાનું કહ્યાં બાદ કોંગ્રેસે જીડીપીનાં આંકડામાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. જેની સામે પ્રધામંત્રીની આર્થિક સલાહકાર પરિષદનાં સદસ્ય સંજીવ સાન્યાલે નવી પદ્ધતિથી જીડીપીની ગણતરીનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, કોઈ ગંભીર અર્થશાત્રી આંકડાઓ જોઈને કહેતા નથી કે આ ભરોસાપાત્ર આંકડા નથી.

સરકારી સૂત્રો દ્વારા સુભાષચંદ્ર ગર્ગે આપેલા 2.6 ટકાનાં આંકડાને અર્થહીન ગણાવ્યો હતો. પૂર્વ નાણા સચિવ ગર્ગે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26નાં પહેલા ત્રિમાસિક સમયગાળા માટે નવી જીડીપી સીરીઝમાં વાસ્તવિક જીડીપીનો આંકડો ત્યારે ઉપલબ્ધ ન હતો કારણ કે ત્યારે તેને જીની સીરીઝનાં આધારે જારી કરવામાં આવ્યો હતો. એટલે કે 2025-26નાં પ્રથમ ત્રિમાસિકનાં જે આંકડાને આધાર બનાવવામાં આવ્યો છે તે એવો આંકડો છે જેને સરકારે પહેલીવાર જારી કર્યો છે. માટે આની તુલના આધાર સાથે કરતી વખતે થોડું સાવધાન રહેવું જોઈએ.

ગર્ગે આગળ કહ્યું હતું કે, જીડીપી વૃદ્ધિનું વિશ્લેષણ વર્તમાન કિંમતોનાં આધારે પણ કરવામાં આવે છે અને સરકારે વર્ષ 2025-26નાં પ્રથમ ત્રિમાસિકનાં વર્તમાન ભાવ  ઉપર જીડીપીમાં મોટાપાયે સુધારા કર્યા છે. આધાર વર્ષનાં પ્રથમ ત્રિમાસિકનો કરન્ટ પ્રાઈઝ જીડીપીમાં ઘટાડી નાખવામાં આવ્યો છે અને હવે વૃદ્ધિ 10.3 થઈ ગઈ છે. જો ગત વર્ષે જારી કરવામાં આવેલા કરન્ટ પ્રાઈઝનાં જીડીપી આંકડાનાં આધારે ગણતરી કરવામાં આવી હોત અને કિંમતો બદલાઈ ન હોત તો નોમિનલ જીડીપી ગ્રોથ 2.5 ટકાથી પણ ઓછો આવ્યો હોત.

ઇ-પેપરના નવા શુલ્ક