• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

જન્માષ્ટમીએ ખાંડ, ખાદ્યતેલ અને બેસનમાં 30 ટકા સુધીનો ભાવવધારો

પૂરી, મોહનથાળ, ફરસાણ 10-15 ટકા મોંઘા પડશે

રાજકોટ, તા.1(ફૂલછાબ ન્યૂઝ) : જન્માષ્ટમીનો તહેવાર ઢૂંકડો છે અને લોકો ઉત્સવના રંગે રંગાવા લાગ્યા છે. ટાઢી સાતમ ઉજવવા માટે આવતીકાલે રાંધણ છઠ્ઠના દિવસે ઘેર ઘેર તાવડા મંડાશે. અલબત્ત ઘેર વિવિધ વાનગીઓ બનાવવાની પરંપરા સમય જતાં વિસરાતી જાય છે. લોકો રેડીમેડ ફરસાણ, મીઠાઇ ખરીદીને ઉજવણી કરી લે છે. જોકે ચાલુ વર્ષે જન્માષ્ટમી મોંઘી પડી જાય એમ છે કારણકે આ તહેવારમાં સૌથી વધારે વપરાતા મેંદો, બેસન, ખાંડ અને ખાદ્યતેલ તમામ મોરચે મોંઘવારી અતિશય વધી ગઇ છે.

આવશ્યક એવી તમામ ચીજોમાં પાછલા વર્ષથી સરેરાશ 5 ટકાથી 30 ટકાનો ભાવવધારો આવી ગયો છે. ખાંડનો ભાવ 30 ટકા વધ્યો છે. જેનો વપરાશ પણ જન્માષ્ટમીએ વધારે થતો હોય છે. ખાદ્યતેલ પણ 20 ટકા મોંઘા છે. જન્માષ્ટમીએ ફરસાણ અને મોહનથાળ સૌથી વધારે ખવાતા હોય છે. જેનો ભાવ ગયા વર્ષની તુલનાએ રિટેઇલમાં 10-15 ટકા વધારે ચૂકવવો પડશે. ઘેર વાનગીઓ બનાવવામાં આવે તો પણ ભાવવધારાની અસર મોટી હશે.

લોકો હવે રાંધણછઠ્ઠના દિવસે સવારથી વિવિધ વાનગીઓ બનાવવાને બદલે રજાઓની મોજ કે આરામ ફરમાવવાનું વધારે પસંદ કરે છે. છતાં અનેક ઘરમાં મોહનથાળની ખુશ્બુ ઉડે છે. લોકો હોંશેહોંશે તહેવાર ઉજવે છે.

આ વર્ષે બેસનનો ભાવ એક કિલોએ રૂ. 5-6 વધારે છે અને રિટેઇલમાં રૂ. 80-90 બોલાય છે. ખાંડના ભાવ સ્થિર જ રહેતા હતા પણ ઓગસ્ટમાં આક્રમક તેજી થવાથી એક કિલોએ રૂ. 60 સુધી પહોંચી છે. સૌથી મોટો ભાવવધારો 30 ટકા આવ્યો તે ખાંડનો છે. મેંદાનો ભાવ રૂ. 60-70 થઇ ગયો છે.

ખાદ્યતેલ પણ સસ્તાં નથી. એક વર્ષમાં સીંગતેલનો ડબો રૂ. 2900-2950 સુધી પહોંચી ગયો છે. પાછલા વર્ષ કરતા રૂ. 540 વધી ચૂક્યાં છે. કપાસિયા તેલમાં રૂ. 490નો ભાવવધારો થવાથી રૂ. 2790-2840 થઇ ગયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક