ખંભાળિયા, તા.1 : ખંભાળિયા ખાતે ચાલી રહેલા ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ના ચોથા દિવસે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા. આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીની આગેવાનીમાં શરૂ થયેલા આ આંદોલનમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા સહિતના અગ્રણીઓ અને હજારો ખેડૂતો જોડાયા હતા.
જામનગર, દ્વારકા અને પોરબંદર
સહિતના જિલ્લાઓમાં નહીંવત્ વરસાદને કારણે ઊભા પાક પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે અને
ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આંદોલનને સંબોધતા નેતાઓએ જણાવ્યું હતું કે રાજ્યના કેટલાય
તાલુકાઓ અછતગ્રસ્ત પરિસ્થિતિમાં હોવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં
નથી. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે દક્ષિણ ગુજરાત સિવાયના મોટાભાગના વિસ્તારોમાં
વરસાદ ન પડવાથી ખેડૂતોએ કરેલો દવા, ખાતર અને બિયારણનો ખર્ચ પાણીમાં ગયો છે અને પાક
બળી રહ્યો છે, જેનાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપના નેતાઓને ખેડૂતોની
પીડા દેખાતી નથી પરંતુ માત્ર કંપનીઓ અને ટેન્ડરો જ દેખાઈ રહ્યા છે.
ચોમાસું નિષ્ફળ જવાને કારણે ખેડૂતોનું
બિયારણ નાશ પામ્યું છે અને માથે દેવું વધી ગયું છે, તેમ છતાં આ આંદોલનને દબાવવા માટે
સરપંચો અને કર્મચારીઓને ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
ખેડૂતોની કોઈ અશક્ય માગણીઓ નથી પરંતુ તેઓ માત્ર દુષ્કાળ જાહેર કરી યોગ્ય રાહત ઇચ્છે
છે. આગામી બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં તાકીદે સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર
કરીને પ્રભાવિત ખેડૂતોના ખાતામાં સહાયની રકમ સીધી જમા કરવા માગ કરાઈ છે. જો કેબિનેટ
બેઠકમાં દુષ્કાળ જાહેર નહીં કરવામાં આવે, તો ઇશુદાન ગઢવી દ્વારા આ આંદોલનને વધુ ઉગ્ર
બનાવી બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.