• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં એક વર્ષમાં 62 સિંહના બીમારીથી મોત

સૌથી વધુ 28 સિંહબાળના મોત; ન્યુમોનિયા સહિતની ગંભીર બીમારીઓ સામે વન વિભાગની કવાયત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.11 : ગુજરાતમાં એશિયાટિક સિંહોના આરોગ્યને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન સરકારે રજૂ કરેલી માહિતી મુજબ, 31 જુલાઈ, 2026 સુધીના એક વર્ષમાં રાજ્યમાં બીમારીના કારણે 62 એશિયાટિક સિંહના મોત થયા છે. મૃતકોમાં 17 નર સિંહ, 17 માદા સિંહ અને સૌથી વધુ 28 સિંહબાળનો સમાવેશ થાય છે.

સિંહોના મોત પાછળ સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા અને હિમેજિક ન્યુમોનિયા જેવી બીમારીઓ મુખ્ય કારણોમાં રહી છે. ઉપરાંત એનિમિયા, કિડની ફેલ્યોર અને હિપેટો-રીનલ ડિસફંક્શન જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ પણ જોવા મળી હતી. ખાસ કરીને સિંહબાળનાં મોતની સંખ્યા વધુ હોવાથી વન્યજીવપ્રેમીઓમાં ચિંતા વધી છે. સિંહોમાં રોગચાળો ફેલાતો અટકાવવા વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. સિંહોમાં પરોપજીવીજન્ય રોગોનું જોખમ ઘટાડવા ડી-વોર્મિંગ અને ડી-ટાકિંગ કરવામાં આવે છે. અભયારણ્ય આસપાસનાં નેસ અને ગામડાંમાં રહેતાં પશુઓનું રસીકરણ પણ કરાય છે, જેથી પશુઓમાંથી સિંહોમાં રોગ ફેલાવાની શક્યતા ઘટાડી શકાય.

વન વિભાગ સિંહોના લોહીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ કરે છે. ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રોની મદદથી સિંહોની હિલચાલ અને સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે છે. બીમાર કે ઈજાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સાસણ, જામવાળા, જસાધાર અને સક્કરબાગ ઝૂ ખાતે સારવાર કેન્દ્રો કાર્યરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક