• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ-પરિવહન પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

રાજ્યમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી લેવામાં આવશે નહીં : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા

અમદાવાદ, તા. 10: ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. છેલ્લા 4-5 મહિનાથી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ફૂડ પોઇઝાનિંગ કે આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે તેવા વધુ પડતા કલર કે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના પોઝિટિવ રિપોર્ટ આવતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઊંઝામાં વરિયાળી અને જીરામાં કલર ભેળવતી પાંચ ફેક્ટરીઓને તાજેતરમાં સીલ કરવામાં આવી છે.  વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારનું પનીર મુખ્યત્વે પામ ઓઇલ અને મિલ્ક પાવડરના મિશ્રણથી બનાવવામાં આવતું હોય છે, જે વાસ્તવમાં પનીર હોતું જ નથી અને તેનાથી ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ પ્રતિબંધના કારણે રાજ્યની ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ સહકારી ડેરીઓના પનીર, ચીઝ અને બટરનું વેચાણ વધ્યું છે.

બનાસકાંઠા અને અન્ય વિસ્તારોમાં નકલી તેલ અને ઘીના વેચાણ અંગે રજૂ કરાયેલી ચિંતાના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, ફૂડ એક્ટ 2006 હેઠળ અનસેફ ખાદ્યપદાર્થોના કિસ્સામાં જેલ અને દંડની જોગવાઈ છે. જો કોઈ પણ નાગરિક કે લોકપ્રતિનિધિ પાસે નકલી કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બનાવનારાઓની નાની સરખી માહિતી પણ હશે, તો સરકાર તેના પર તાત્કાલિક અને સખત કાનૂની કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તાજેતરમાં એક જ દિવસમાં 74 પેઢીઓમાં દરોડા પાડીને 1000 કિલો જેટલું એનોલોગ પનીર પકડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત એ પૂર્વે જૂનાગઢ, જામનગર, આણંદ સહિતના શહેરોમાંથી કુલ 255 વેપારીઓને ત્યાં દરોડા પાડી 108 કિલો જેટલો પનીરનો જથ્થો પકડાયો હતો. વડોદરામાં એક માસ પૂર્વે 24 કલાકમાં 471 કિલો તેમજ સૂરતમાં 14 ડેરી અને પ્રોડેક્ટ વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને 235 કિલો એનાલોગ પનીર પકડાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક