માર્કેટ યાર્ડમાં 20થી 25 હજાર મણની આવક, બોટાદ-અમરેલી આવકમાં મોખરે
રાજકોટ, તા. 10 (ફૂલછાબ ન્યૂઝ)
: અઠવાડિયાના અંતે વરસાદની સિસ્ટમ સક્રિય થઇને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસાવે તેવી
શક્યતા પ્રબળ બની છે. બીજી તરફ નવા કપાસની આવક વેગ પકડી રહી છે. પાછલા સવા મહિનાથી
સતત તાપ પડી રહ્યો છે, હવે ભાદરવા જેવી ગરમી પડતા આગોતરા મે મહિનામાં વાવેલા કપાસ ફટાફટ
તૈયાર થઇને માર્કેટ યાર્ડમાં આવવા લાગ્યા છે.
નવા કપાસની આવક સમગ્ર ગુજરાતમાં
કુલમ ળઈને 20થી 25 હજાર મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે વરસાદી સિસ્ટમ વરસશે તો આવકમાં વિક્ષેપ પડશે પણ પાકને થોડો ફાયદો
મળવાની ગણતરી છે. આગોતરા કપાસ કે જ્યાં ફૂલ ઉઘડી ગયા છે ત્યાં સમસ્યા થઇ શકે છે. સરવાળે
લાભનું તત્વ કેટલું હશે એ ચર્ચાનો વિષય બન્યો છે.
નવા કપાસની સૌથી વધારે આવક બોટાદ
માર્કેટ યાર્ડમાં થાય છે. ત્યાં રોજ પાંચ હજાર મણ કરતા વધારે માલ ખેડૂતો લાવી રહ્યા
છે. કપાસનો ભાવ રૂ. 1625-2021 રહ્યો હતો.
અમરેલી યાર્ડમાં 4 હજાર મણની
આવક થાય છે. યાર્ડમાં રૂ. 1190-2005નો ભાવ રહ્યો હતો. અનેક યાર્ડમાં કપાસ રૂ. 1990થી
2050 સુધી પણ વેચાય છે.
ખેડૂતો કહે છે, ગુજરાતમાં વાવેતર
21 લાખ હેક્ટરમાં થયાનું સરકારે નોંધ્યું છે પરંતુ ખેતરોની પરિસ્થિતિ અલગ છે. ખેડૂતોએ
કરેલું વાવેતર સરકારી આંકડાઓથી10 ટકા જેવું ઓછું હશે. કારણકે સરકારે ઓરવેલા વાવેતરમાં
બગાડ અને ગરમીથી કે વરસાદથી થયેલા નુકસાનને ગણ્યું નથી. પરિણામે બજારમાં જ્યારે કપાસની
આવક થશે ત્યારે જ સાચો અંદાજ નીકળી શકશે.
કપાસનું ઉત્પાદન ગુજરાતની માફક
અન્ય રાજ્યોમાં પણ નબળું ઠરવાની ધારણા છે. બીજી તરફ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સ્ટોક
પણ ઘટી જતા 9 લાખ ગાંસડી સુધી નીચે આવી ગયા છે. કપાસનું ઉત્પાદન ભારતમાં નબળું ઠરે
તો ફરીથી આયાત માટે સરકારને દ્વાર ખોલવા પડે એવી સ્થિતિ છે. જોકે આયાતથી ખેડૂતો ભારે
ખફા છે. ચાલુ મોસમમાં બે વખત સરકારે ઝીરો ટકા ડયૂટી કરીને આયાતનો માર્ગ મોકળો કર્યો
હતો. હવે ઓક્ટોબર પૂરો થતાં ફરીથી 11 ટકા જકાત લાગવાની ધારણા છે. ચાલુ વર્ષે અત્યાર
સુધીમાં 56 લાખ ગાંસડીની આયાત થઇ ચૂકી હોવાનો અંદાજ છે.