રાજકોટ,તા.20 : સૌરાષ્ટ્રમાં ધામધૂમથી ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે. લોકો પોતાની શ્રધ્ધાથી દુંદાળા દેવને ઘરે લાવી પૂજન અર્ચન કરે છે. ગણેશ મહોત્સવના સાતમા દિવસે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ગણેશજીને ભાવસભર વિદાય આપવામાં આવી હતી. કોડીનાર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં અબીલ-ગુલાલની છોળો અને ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં વિસર્જન યાત્રાઓ નીકળી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ‘ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું હતું.
કોડીનાર
: કોડીનાર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિની ધામધૂમ પૂર્વક ઉજવણી બાદ મોટા ભાગના
ગણપતિ બાપાનું મુળ દ્વારકાના દરિયામાં વિર્સજન કરવામાં આવ્યું હતું. જેમાં કોડીનાર
જંગલેશ્વર મંદિરેથી ડીજેના તાલ સાથે ગણપતિની શોભાયાત્રા નીકળી હતી. જેમાં અલગ અલગ પ્રકારના
ફ્લોટ જોવા મળ્યા હતા તેમજ ચાલુ વરસાદે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને
કોડીનાર શિંગોડા નદીમાં પાણી ન હોવાના કારણે ગણપતિ વિસર્જન મુળ દ્વારકાના દરિયામાં
વિર્સજન કરવામાં આવ્યું હતું. પીઆઇ એન વી હરિયાણીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગોઠવાયો હતો.
જૂનાગઢ
: જૂનાગઢમાં 1800 થી વધુ સ્થળોએ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ત્રીજા
દિવસથી ભવનાથ તળેટીમાં તૈયાર કરાયેલ કૃત્રિમ કુંડમાં વિસર્જન શરૂ થયું હતું. છેલ્લા
છ દિવસમાં 920 ગણેશની મૂર્તિઓના વિસર્જન બાદ આજે સાતમા દિવસે બપોર બાદ વિસર્જન કરનારાઓની
કતારો લાગી હતી. મોડી સાંજ સુધીમાં 500થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.
ગણપતિબાપા મોરીયાના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાય આપી હતી.
ડોળાસા
: કોડીનાર તાલુકાના ‘ગોહિલની ખાણ’ ગામમાં આવેલી દક્ષિણામૂર્તિ સોસાયટી ખાતે ગણેશ મહોત્સવની
હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીમાં બિરાજમાન દક્ષિણેશ્વર
મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં ભગવાન ગણેશજીની વિશાળ અને આકર્ષક પ્રતિમાની સ્થાપના
કરવામાં આવી હતી. સમસ્ત દક્ષિણામૂર્તિ સોસાયટીના રહીશોના સહિયારા પ્રયાસો અને સંપૂર્ણ
સહયોગથી ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાની આરાધના કર્યા
બાદ સાતમાં દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.