(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.19 : ખેડૂત પરિવારની પુત્રીના વારસાઈ હક્ક અને ખેડૂત તરીકેના કાયદાકીય દરજ્જા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રીના લગ્ન બિનખેડૂત સાથે થયા હોય કે મહેસૂલી રેકોર્ડમાંથી તેનું નામ દૂર કરવામાં આવ્યું હોય, તો પણ તેનો જન્મથી મળેલો ખેડૂત તરીકેનો દરજ્જો ખતમ થતો નથી.
જસ્ટિસ દિવ્યેશ એ. જોષીની બેન્ચે
જસુમતીબેન નવલદાસ દસાણી અને અન્યની અરજી પર ચુકાદો આપતાં પોરબંદર કલેક્ટર દ્વારા
19 ઓગસ્ટ, 2016ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી રદ કરી હતી. સાથે જ 1990માં થયેલા જમીન
વ્યવહારોને લગતી મહેસૂલી એન્ટ્રીઓ પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ રાજકોટ જિલ્લાના જામકંડોરણા
તાલુકાના જસપર ગામનો છે. અરજદાર જસુમતીબેનના દાદા બાવળાલ જાદવજી પાસે ખેતીની જમીન હતી.
આ જમીન તેમના ત્રણ પુત્રોમાં વહેંચાઈ હતી, જેમાં જસુમતીબેનના પિતા નાથાલાલનો પણ સમાવેશ
થતો હતો. નાથાલાલનું 1967માં અવસાન થયા બાદ તેમની મિલકતમાં પુત્રી અને પુત્ર બંનેના
વારસાઈ હક્કનો પ્રશ્ન ઊભો થયો હતો.
જસુમતીબેનનો આક્ષેપ હતો કે તેમના
ભાઈ રમેશે ખોટી વંશાવળી અને બનાવટી દસ્તાવેજોના આધારે મહેસૂલી રેકોર્ડમાંથી તેમનું
નામ દૂર કરાવી દીધું હતું. પરિણામે જમીનની એન્ટ્રી માત્ર ભાઈના નામે રહી હતી. જોકે,
બાદમાં સ્થાનિક મહેસૂલી અધિકારીએ જસુમતીબેનને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.
આ પ્રમાણપત્રના આધારે તેમણે 17 એપ્રિલ, 1990ના રોજ નોંધાયેલા વેચાણ દસ્તાવેજો મારફતે
ત્રણ ખેતીની જમીન ખરીદી હતી. ત્યારબાદ આ વ્યવહારોની મહેસૂલી એન્ટ્રીઓ કરવામાં આવી હતી
અને નોટિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે પ્રમાણિત પણ થઈ હતી. બાદમાં પોરબંદર કલેક્ટરે
2016માં આ ત્રણેય એન્ટ્રીઓ રદ કરી મોટી રકમનો ખર્ચ પણ લાદ્યો હતો.
હાઈકોર્ટે કહ્યું હતુ કે, અરજદાર
ખેડૂતની પુત્રી અને પૌત્રી હોવાથી જન્મથી ખેડૂતનો દરજ્જો ધરાવે છે. માત્ર મહેસૂલી રેકોર્ડમાંથી
નામ છેતરાપિંડીથી દૂર કરવાથી આ કાયદાકીય દરજ્જો સમાપ્ત થઈ શકે નહીં. કોર્ટે વિવાદિત
હુકમ રદ કરી 26 મે, 1990ની મહેસૂલી એન્ટ્રીઓ પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.