• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે ગંભીરા બ્રીજ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના મેમોરિયલનું પણ લોકાર્પણ : શહેર અને જિલ્લાને રૂ. 1297 કરોડના વિકાસ કામોની ભેટ

વડોદરા, તા. 20 : વડોદરા જિલ્લાના વરણામા સ્થિત ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1297 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને આપેલી રૂ. 1297 કરોડના વિકાસકામોની ભેટમાં ગંભીરા બ્રિજ, કલ્યાણનગર સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલનો પણ સમાવેશ થાય છે.  આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનનાં નેતૃત્વમાં સતત પ્રોત્સાહન મળ્યું છે. વડોદરામાં અંદાજે રૂ. 29 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું લોકાર્પણ આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પવિત્ર ભૂમિ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિ જોડાયેલી છે ત્યારે અહીં તેમની 12 ફૂટ ઊંચી પ્રતિમા સાથે મ્યુઝિયમ, ડિજીટલ શો, લાઇબ્રેરી અને ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવા અને રાષ્ટ્રસેવાનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની સેવા સાધનાને વધુ ગતિ આપવા ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાંસુશાસનનો અનુભવ જનજન સુધી પહોંચ્યો છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સાકાર કરીને વિકાસની રાજનીતિને નવી દિશા આપવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાષ્ટ્રસેવા માટે વડાપ્રધાનએ આપેલા યોગદાન, ગરીબલક્ષી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનાં નિર્માણમાં સૌની સહભાગીતાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ વિકાસની પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે સરકાર સતત કાર્યરત છે.

અંતમાં મુખ્યમંત્રીએ ત્રિમંદિર ખાતે સમરસતા અને એકતાના સંદેશને આત્મસાત કરીને સૌને સાથે મળીને આગળ વધવા આહ્વાન કર્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક