અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ,તા.19 : ગાંધીનગર મહાનગરપાલિકાની
આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ પહેલા પોતાના 23 ઉમેદવારોની
પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં અગાઉની ચૂંટણી લડી ચૂકેલા ત્રણ ઉમેદવારોને ફરી
તક આપવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં પ્રથમ વખત એક ટ્રાન્સજેન્ડર (કિન્નર) ઉમેદવાર
ચૂંટણી મેદાનમાં ઉતરશે.
આપની પ્રથમ યાદીમાં હાર્દિક તલાટી,
ભરત જોશી અને વર્તમાન કોર્પોરેટર તુષાર પરીખનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય ઉમેદવારો
અગાઉની ચૂંટણીમાં પણ આપ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. પક્ષ દ્વારા પ્રથમ તબક્કામાં જ
જૂના અને સંગઠન સાથે જોડાયેલા ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં
રહેલું નામ એન્જલ પારેખ ‘િકન્નર’નું છે. ગાંધીનગરમાં એન્જલ તરીકે જાણીતા ટ્રાન્સજેન્ડરને
આપ દ્વારા વોર્ડ નંબર-10માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની
ચૂંટણીમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર ઉમેદવાર ચૂંટણી લડશે.એન્જલ પારેખનું અઅઙમાં જોડાણ
અને વોર્ડ નં. 10માંથી ચૂંટણી લડવાની જાહેરાતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકીય
માહોલમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
ગાંધીનગર શહેરમાં એન્જલ પારેખની
આગવી ઓળખ છે. સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમોમાં તેમની સારી એવી લોકપ્રિયતા અને તેમનો
પોતાનો ચાહક વર્ગ પણ છે. હવે આ લોકપ્રિયતાને ચૂંટણીના રાજકારણમાં મતમાં કેવી રીતે પરિવર્તિત
કરી શકાય છે, તે આગામી દિવસોમાં જોવા મળશે.