• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ગુજરાત સરકારે ટેન્ડરની પ્રક્રિયા ઝડપી બનાવી, સમયમર્યાદા નિર્ધારિત કરાઈ

            ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ 51 થી 66 દિવસમાં પૂર્ણ કરાશે, ટેન્ડરની માન્યતાનો ગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.20: રાજ્યમાં વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી  કરતો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. મુખ્યમંત્રીએ ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે. જેના પરિણામે હવે રાજ્યમાં રોડ, બ્રિજ અ સરકારી મકાનો સહિતના પાયાના માળખાકીય પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનશે.

પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે. જે કામોમાં પુર્વ પાત્રતાની જોગવાઇ નથી એવા સિવાયના જે માત્ર ફાયનાન્સીયલ બીડ હોય તેવા ટેન્ડરો માટે ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જે કામમાં ઇજારદારોની પુર્વ પાત્રતાની જોગવાઈ હોય અને ટેક્નિકલ તથા  ફાઇનાન્સિયલ એમ બે બીડ મંગાવાતી હોય, તેવા કિસ્સામાં તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત ટેન્ડરની યોગ્યતા (વેલિડિટી)નો પ્રવર્તમાન 120 દિવસનો ગાળો પણ ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે.

એકથી વધુ ટેન્ડર પ્રાપ્ત થયા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો કરવાનું ટાળવાનું રહેશે. જો વાટાઘાટો અનિવાર્ય જણાય તો માત્ર એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારી કક્ષાએ જ પૂર્ણ કરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં.

નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહી થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરાશે, અધૂરી દરખાસ્તોને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક