16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી કાચિંગ વ્યવસ્થામાં પ્રવેશ ન આપવાની સ્પષ્ટ જોગવાઈ કરવા સહિતની માગ
રાજકોટ,
તા. ર0: ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત (એફએએ) દ્વારા કાચિંગ એસોસિએશન ઓફ રાજકોટના
યજમાનપદે આજે રાજકોટ ખાતે રાજ્યકક્ષાની “સમન્વય બેઠક’’ યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતના
વિવિધ જિલ્લા અને શહેરોમાંથી 30થી વધુ ઘટક સંઘોના 100થી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ
ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના અનુસંધાને ગુજરાત
સરકાર દ્વારા પ્રસ્તાવિત ટ્યુશન એક્ટ, કાચિંગ ક્ષેત્ર પર તેની અસર તથા વ્યવહારુ અમલીકરણ
અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમા 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ
એક્ઝામની તૈયારી કરાવતી કાચિંગ વ્યવસ્થામાં પ્રવેશ ન આપવાની સ્પષ્ટ જોગવાઈ ટ્યુશન એક્ટમાં
કરવામાં આવે, ડમી સ્કૂલ, ડે-સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના વધતા કલ્ચરને રોકવા માટે શાળાના
નિયત સમયમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તે જ સમય દરમિયાન ટ્યુશન ક્લાસમાં હાજરી
આપવાની મંજૂરી ન હોવી જોઈએ અને આ નિયમનો કડક અમલ થવો જોઈએ, વિદ્યાર્થીના શૈક્ષણિક અને
માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીનો અભ્યાસ સમય દિવસમાં
ત્રણ કલાકથી વધુ ન હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે, એક પણ વિદ્યાર્થીને ભણાવવાનું કાર્ય કરવામાં આવતું
હોય તો તે ટ્યુશન એક્ટના દાયરામાં આવવું જોઈએ અને આવા તમામ ટ્યુશન પ્રોવાઇડર માટે રજીસ્ટ્રેશન
ફરજિયાત બનાવવું જોઈએ.
આ જ રીતે ઓનલાઈન શિક્ષણ આપતા ક્લાસિસ અને શિક્ષકો
માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે તેવી ફેડરેશનની માગ છે.
રાજ્યભરમાંથી હોદ્દેદારોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ
સમન્વય બેઠકમાં ચેરમેન હેમાંગ રાવલ, પ્રમુખ હેમંત સોલંકી સહિત કોર કમિટીના સભ્યો ઉપસ્થિત
રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના 30થી વધુ જિલ્લા અને શહેરોના ઘટક સંઘોના પ્રમુખો, સેક્રેટરીઓ
તથા 100થી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓએ બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા
હતા.