આઇ-ખેડૂત પોર્ટલ પર રવી ઋતુની યોજનાઓ માટે 15 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 4 : રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી
જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે આગામી રવી ઋતુ માટે પ્રમાણિત બિયારણ,
સીડ મિનિ કિટ અને નિદર્શન ઘટકોનો લાભ મેળવવા માટે આઇ-પોર્ટલ ખેડૂત પર ઓનલાઇન અરજીઓ
સ્વીકારવામાં આવી રહી છે. આઇ-પોર્ટલ ખેડૂત તા.4થી 15 ઓક્ટોબર સુધી કુલ 12 દિવસ માટે
ખુલ્લું રહેશે. રાજ્યના ખેડૂતો આ સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે
ઓનલાઇન અરજી કરી શકશે.
રાજ્યમાં
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના ઓનલાઇન રજિસ્ટ્રેશનની અગાઉની અંતિમ તારીખ
9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જોકે, વિવિધ સાંસદો, ધારાસભ્યો અને ખેડૂત પ્રતિનિધિઓ
દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે નોંધણીની મુદતમાં વધુ
15 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો મગફળી,
મગ, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન
રજિસ્ટ્રેશન કરાવી શકશે.
કૃષિ
મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂત ભાઈ-બહેનોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સમયસર
આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા તેમજ ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નોંધણીની
મુદતનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.