• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

સાઉદીની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો ઉપર હૂથીનો હુમલો

ઓઈલનાં ભાવ સળગવાની આશંકા : સાઉદીનો હૂથી ઉપર વળતો પ્રહાર, લડાઈ વકરી

 

નવીદિલ્હી,તા.4: યમનનાં હૂથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે, તેમણે સાઉદી અરબની રાજધાની રિયાદમાં સૌથી મોટી ઓઈલ કંપની અરામકોની સુવિધાઓને નિશાન બનાવતા હુમલા કર્યા છે. જેનાં હિસાબે ફરી એકવાર ક્રૂડ ઓઈલનાં ભાવ સળગવાની આશંકા પેદા થઈ છે.

અરામકો ઉપર ડ્રોન અને મિસાઈલોથી હુમલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલા બાદ ક્ષેત્રમાં ફરીથી તનાવ વધી ગયો છે. ઈરાન સમર્થિત હૂથી અને સાઉદી અરબ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લડાઈ ઉગ્ર અને તીવ્ર બનવા લાગી છે.

હૂથીનાં સૈન્ય પ્રવક્તા યાહ્યા સરી દ્વારા આપવામાં આવેલા એક નિવેદન અનુસાર જૂથે બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન સાથે આ સૈન્ય અભિયાન ચલાવ્યું હતું અને તેમાં રિયાદમાં અરામકોને નિશાને લેવામાં આવી હતી. આ હુમલા સચોટ હતાં અને તેનાં કારણે આગ પણ લાગી હતી. જો કે સાઉદી અરબ તરફથી હજી સુધી અરામકોમાં આગનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.  બીજીબાજુ આજે સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને કહ્યું હતું કે, તેની સેનાએ તોર અલ-બહા ફ્રંટ અને તાઈઝ એક્સિસ ઉપર હૂથી લડવૈયાઓ સામે 97 સટીક હુમલા કર્યા હતાં અને આનાં માટે યુદ્ધ વિમાન, ડ્રોન, તોપ, મિસાઈલ અને સ્નાઈપર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આશરે 260 જેટલા હૂથીઓને નિશાને લેવામાં આવ્યા હતાં અને તેમાં 44 જેટલા વાહનો પણ તબાહ થયા હતાં.

 

તનાવ મધ્યે ઈરાકે હોર્મુઝમાંથી મોકલી 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખેપ

 

નવીદિલ્હી,તા.4: હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ મધ્યે ઈરાકની સરકારી ઓઈલ ટેન્કર કંપનીએ મોટા ક્રૂડ કેરિયરથી 20 લાખ બેરલ ઈરાકી ક્રૂડ ઓઈલની મોટી ખેપ મોકલી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં કંપનીએ પહેલીવાર આટલું મોટું ઓપરેશન પાર પાડયું છે. આનો અર્થ એવો પણ છે કે, ઈરાકી કંપની માત્ર બસરા બંદર સુધી ઓઈલ પહોંચાડવાનાં બદલે સીધા હોર્મુઝનાં માર્ગેથી ઓઈલ રવાના કરી રહી છે. ઈરાકી કંપની સોમોને આ ઓપરેશન બાદ ક્રૂડ ઓઈલ વેચાણનાં બહેતર અવસરો મળવાની આશા છે. ઈરાકે હોર્મુઝમાંથી પોતાનું ઓઈલ રવાના કરવા માટે ઈરાન પાસેથી અનુમતિ મેળવી લીધેલી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક