• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ફૂલછાબ રામકથા કાર્યક્રમ શૃંખલા અંતર્ગત

રાજકોટમાં વિદ્યાર્થીઓ અને ભાવકો માટે આજે જિલ્લા કલેક્ટરનું વ્યાખ્યાન યોજાશે

-ભારતીય દર્શનથી લઈ આધુનિક માધ્યમોની શિક્ષણમાં ભૂમિકા વિશે કુશળ વહીવટકર્તા ઉપરાંત એક ઉમદા વક્તા એવા કલેક્ટર વાત કરશે

-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સહયોગ ઃ સવારે અગિયાર વાગ્યે અંગ્રેજી ભવનમાં કાર્યક્રમ

રાજકોટ, તા. 22ઃ ગુજરાતી પત્રકારત્વમાં શિરમોર પરંપરા જાળવીને સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સદા સક્રિય રહેનારા ફૂલછાબ દૈનિક દ્વારા વર્ષ 2027ના પ્રારંભે રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરાયું છે. રામકથા સાથે જ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ શિક્ષણ માટેનો પોતાના વિરાટ પ્રકલ્પ વિદ્યાવૃક્ષનો આરંભ કરશે જેના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યાં છે. વેબસાઈટ લોન્ચ કર્યા બાદ હવે આવતીકાલે તા.23ને શુક્રવારે એક વિશિષ્ટ પ્રવચનનું આયોજન ફૂલછાબ દૈનિક દ્વારા કરાયું છે.

રાજકોટના કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ શુક્રવાર, તા. 23ના રોજ વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા અન્ય કોઈ પણ ભાવક માટે વક્તવ્ય આપશે. આપણા શાસ્ત્રો, દર્શનમાં શિક્ષણ અને જીવનના મૂલ્યો છે. તો આધુનિક માધ્યમોની પણ વિશાળ રેન્જ છે જેમાં માહિતી અને નોલેજ છે. આ બંનેને સાંકળીને કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ વક્તવ્ય આપશે. વિદ્યાનો વ્યાપઃ વ્યાસપીઠથી વેબ સિરીઝ.  આ અવસરે કુલગુરુ ડો. ઉત્પલ જોશી પણ ઉપસ્થિત રહેશે.

શુક્રવારે સવારે 11 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સભાગૃહમાં યોજાનારા આ વક્તવ્ય માટે સૌને પધારવા ફૂલછાબના તંત્રી જ્વલંત છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબા તેમ જ ફૂલછાબ રામકથા સમિતિએ નિમંત્રણ પાઠવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક