• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

જામનગરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનું સ્વાગત કર્યું

રિલાયન્સની રિફાઇનરી,

 ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ અને ડેટા સેન્ટર્સની મુલાકાત; ઊર્જા અને ટેકનોલોજીમાં સહયોગ અંગે ચર્ચા

જામનગર, તા.22ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું જામનગર ખાતે સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મહેમાનોએ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી તરીકે ઓળખાતા જામનગર રિફાઇનિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રતિનિધિમંડળને રિફાઇનરીની વિશાળ ક્ષમતા, અદ્યતન ટેકનોલોજી અને સંકલિત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ રિલાયન્સની ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ, જે તબક્કાવાર કાર્યરત થઈ રહી છે, તેમજ નિર્માણાધીન ડેટા સેન્ટર્સની પ્રગતિથી પણ મહેમાનોને અવગત કરાવવામાં આવ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જામનગર કોમ્પ્લેક્સના લાંબા ગાળાના વિકાસલક્ષી વિઝન અંગે રજૂઆત કરી હતી. જામનગરને ડીપ-ટેક, નવીનતા, અદ્યતન મેન્યુફેક્ચારિંગ અને ઊર્જા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ

કેન્દ્ર બનાવવાની કંપનીની

યોજનાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ બેઠકમાં વૈશ્વિક ઊર્જા પરિદૃશ્ય, પરંપરાગત તથા નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે વ્યાપારી ભાગીદારી અને વિશ્વસનીય, સસ્તા ઊર્જા પુરવઠા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ઉપરાંત, ટેકનોલોજીકલ પ્રગતિ, મજબૂત સપ્લાય ચેઇન અને વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા જરૂરી રોકાણ અંગે વિચારોનું આદાનપ્રદાન થયું હતું. ડિજિટલ અર્થતંત્રના વિસ્તરણમાં ડેટા સેન્ટર્સ માટે વિશ્વસનીય વીજળીનું મહત્વ પણ ચર્ચાયું હતું. બંને પક્ષે ટેકનોલોજી, એન્જિનિયારિંગ અને અદ્યતન મેન્યુફેક્ચારિંગમાં અમેરિકન કંપનીઓ સાથે સહયોગની સંભાવનાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ મુલાકાતથી ઊર્જા અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પરસ્પર વ્યાપારી હિતોની શોધ માટે મહત્ત્વપૂર્ણ તક ઊભી થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક