સવા
ચાર લાખ ગુણીની ચાલુ મોસમની સર્વાધિક આવક નોંધાઇ
રાજકોટ,તા.21:
(ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આગલા વર્ષ કરતા 33 ટકા જેટલું ઓછું થવાના
અંદાજો વચ્ચે પણ માર્કેટીંગ યાર્ડમાં ચિક્કાર આવક થઇ રહી છે. દશેરાની રજા પછી બુધવારે
રાજ્યભરમાં આશરે સવા ચાર લાખ ગુણીની આવક હતી. આમ છતાં મગફળીના ભાવ ઘટવાને બદલે સુધરી
રહ્યા છે, આવી સ્થિતિમાં સીંગતેલ સસ્તું થવાની કોઇ શક્યતા બચી નથી.
ગુજરાતમાં
હિંમત નગરમાં 26 હજાર ગુણી, પાલનપુરમાં 48, ઇડરમાં 15, વિજાપુરમાં 10, ડીસામાં 65,
પાથાવાડામાં 62 તથા ભીલડીમાં 14 હજાર ગુણીની આવક થઇ હતી.
બીજી
તરફ સૌરાષ્ટ્રમાં હળવદ ખાતે 21 હજાર ગુણી, સાવરકુંડલા 17, જસદણ 10, રાજકોટ 10 અને ગોંડલમાં
21 હજાર ગુણીની આવક થઇ હતી. મહુવા યાર્ડમાં પણ 17 હજાર ગુણી જેટલી ચિક્કાર આવક હતી.
આમ કુલ આંકડો સવા ચાર લાખ ગુણી સુધી પહોંચ્યો હતો. મગફળીના ભાવમાં મણે રૂ. 30થી 50ની
તેજી આવી હતી. નીચાંમાં રૂ. 1250-1400, મધ્યમમાં રૂ.
1450-1600 અને બેસ્ટ ક્વોલિટીમાં રૂ. 1650-1800 સુધીના ભાવ હતા. બેસ્ટ વેરાઇટીમાં રૂ.
2000-2200 સુધી હતા.
વેપારીઓ
કહે છે, મગફળીમાં દાણા ઉત્પાદકો, સ્ટોકિસ્ટો કે નિકાસકારો બધાને લાંબાગાળે તેજી દેખાય
છે એટલે ભરપૂર સ્ટોક થઇ રહ્યા છે. બિયારણવાળા પણ અત્યારે સક્રિય થઇ ગયા છે. બીજી તરફ
ખેડૂતોને ઉંચા ભાવ મળી રહ્યા હોવાથી વેચવાલી સારી છે. ખેડૂતો અને વેપારીઓ કહે છે, આવકનું
જોર પંદરેક દિવસથી ખૂબ સારું છે. ખાસ્સો માલ નીકળી ચૂક્યો છે. જોકે ખેડૂતોના હાથમાંથી
સ્ટોકમાં મગફળી જઇ રહી છે. સૌને લાંબાગાળે તેજી દેખાતી હોવાથી લાવ લાવ છે. જોકે ડિસેમ્બરમાં
આવક સાવ પીવાય જાય તેમ જણાય છે.
ઉલ્લેખનીય
છેકે મગફળીની જોરદાર આવક છતાં ઉંચા ભાવને લીધે સીંગતેલ મિલોને પીલાણ પોસાતું નથી. લૂઝનો
ભાવ રૂ.1800 છે, નવું પીલાણ થાય ત્યારે એમાં વધારો થવાની શક્યતા છે. તેલનું જૂની મગફળીનું
પીલાણ આવે છે તે રૂ. 3000માં ડબો વેચાય છે પણ નવાની પડતર ઉત્પાદકોને ઉંચી છે.
દરમિયાન
મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષે 28થી 30 લાખ ટન થવાનો અંદાજ વેપારીઓ અને વિવિધ સંગઠનોએ
મૂક્યો છે. જે આગલા વર્ષ કરતા 33 ટકા ઓછું છે.