• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

દ્વારકામાં 92.70 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યું છે ભવ્ય શ્રી કૃષ્ણ સંગ્રહાલય

-નવ થીમ આધારિત ગેલેરીઓમાં શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, દિવ્ય લીલાઓ અને ભગવદ્ ગીતાના સંદેશનું થશે પ્રસ્તુતિકરણ

-િડજિટલ ટેકનોલોજીથી મુલાકાતીઓને મળશે અનોખો અનુભવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ/દ્વારકા, તા. 22ઃ દ્વારકા એટલે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને ભારતીય સંસ્કૃતિ, આસ્થા તથા ભવ્ય વિરાસતનું પ્રતીક. આ પવિત્ર નગરીની ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્તાને આધુનિક ટેકનોલોજી સાથે સાંકળવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 92.70 કરોડના ખર્ચે શ્રી કૃષ્ણ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી, વિરાસત ભીના મંત્રને સાકાર કરતો આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, દિવ્ય લીલાઓ અને ભગવદ્ ગીતાના જીવનદર્શનને આધુનિક ડિજીટલ માધ્યમો દ્વારા જીવંત બનાવશે. નવ થીમ આધારિત ગેલેરીઓ સહિતની વિવિધ સુવિધાઓથી સજ્જ આ સંગ્રહાલય દ્વારકાને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આધુનિક પ્રવાસનના અનોખા સંગમ તરીકે નવી ઓળખ અપાવવાની દિશામાં મહત્ત્વનું પગલું બની રહેશે.

ચાર ધામ પૈકીના એક ધામ અને ભારતની પવિત્ર સપ્તપુરીમાં સ્થાન ધરાવતી દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર નગરીમાં નિર્માણ પામી રહેલા સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમની દિવ્ય લીલાઓ, તત્ત્વજ્ઞાન અને ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવાનો છે.

દ્વારકાધીશ મંદિર, સમૃદ્ધ પૌરાણિક પરંપરા અને વિશાળ સમુદ્રકિનારાને કારણે દ્વારકા દેશ-િવદેશના ભાવિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવા સંજોગોમાં શ્રી કૃષ્ણ સંગ્રહાલય દ્વારકાના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. આ સંગ્રહાલયના માધ્યમથી મુલાકાતીઓને ધાર્મિક દર્શનની સાથે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને શ્રીકૃષ્ણના જીવનદર્શનને સમજવાની તક મળશે.

અદ્યતન ડિજીટલ ટેકનોલોજીથી મળશે ઇમર્સિવ અનુભવ

આધુનિક યુગમાં નવી પેઢી સુધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જ્ઞાન પહોંચાડવા માટે ટેકનોલોજી અસરકારક માધ્યમ બની છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સંગ્રહાલયમાં અદ્યતન ડિજીટલ અને ઇમર્સિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેના દ્વારા પરંપરાગત સંગ્રહાલયની મર્યાદાઓથી આગળ વધીને મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જીવન અને ઉપદેશો સાથે ભાવનાત્મક તેમજ બૌદ્ધિક રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. સંગ્રહાલય પરિસરમાં વિશેષ લેન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક