• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અમરેલીના દામનગર-લીલિયા વચ્ચે માલગાડીની અડફેટે સિંહ ઘવાયો હોવાની આશંકા

રેલવે ટ્રેક પર સિંહની પૂંછડીનો ભાગ મળી આવતાં વનવિભાગ દોડતો થયો, ખેતરોમાં મળ્યાં હલનચલનનાં નિશાન

મિલાપ રૂપારેલ દ્વારા

અમરેલી, તા.22ઃ  અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા સામે ફરી ચિંતા જનક ઘટના સામે આવી છે. અમરેલીના દામનગર અને લીલિયા વચ્ચે ઇંગોરાળા ગામ આજે નજીક વહેલી સવારે પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી માલગાડીની અડફેટે એક સિંહ ઘવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  સવારે આશરે 4ઃ45 વાગ્યે બનેલી આ ઘટનામાં રેલવે ટ્રેક પર સિંહની પૂંછડીનો કપાયેલો ભાગ મળી આવતાં વનવિભાગ અને રેલવે તંત્ર દોડતો થયો હતો. ઘવાયેલા સિંહની શોધખોળ માટે વનવિભાગે આસપાસના ખેતરોમાં તપાસ અને સ્કાનિંગની કામગીરી હાથ ધરી છે.

 દામનગર-લીલીયા ઇલેક્ટ્રિક પિલર વચ્ચે બે સિંહ ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પીપાવાવથી ઢસા તરફ જતી માલગાડીની અડફેટે એક સિંહ આવી ગયો હોવાની આશંકા છે. ઘટનાને પગલે માલગાડીને રોકવામાં આવી હતી અને રેલવે વિભાગ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટના સ્થળે પહોંચેલા વનવિભાગના કર્મચારીઓને રેલવે ટ્રેક પર સિંહની પૂંછડીનો અમુક ભાગ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સિંહનું પૂંછડું કપાયા બાદ તે કઈ સ્થિતિમાં છે? તેને કેટલી ગંભીર ઈજા પહોંચી છે? અને તે હાલ ક્યાં છે? તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ અંગે વન વિભાગના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ સિંહને ઇજા થતા તે ગમે તે દિશામાં નાસવા લાગે છે. ત્યારે સાંજ સુધી આ ઈજાગ્રસ્ત સિંહનું કોઈ લોકેશન મળ્યું નથી. ઘવાયેલો સિંહ મળી આવતા પ્રથમ તેની સારવાર માટે એનિમલ કેર ખાતે ખસેડાવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક