• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ઓમાનમાં ખાણના ધંધાનાં નામે પોરબંદરના ઉદ્યોગપતિ સાથે રૂ. 1.50 કરોડની છેતરાપિંડી લાઇમસ્ટોન માઇનિંગમાં ભાગીદારીની લાલચ આપી નાણાં પડાવ્યાનો આક્ષેપ;

રૂ. 1.74 કરોડના ચાર ચેક બે વખત બાઉન્સ થતાં ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ

પોરબંદર, તા.24 : ઓમાનમાં લાઇમસ્ટોનની ખાણમાં ભાગીદારીથી સારો નફો મેળવવાની લાલચ આપીને પોરબંદરના નિવૃત્ત ઉદ્યોગપતિ સાથે આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરાપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. હૈદરાબાદના અશ્વિન વેમુરી સામે ઉદ્યોગપતિ ભરતકુમાર માખેચાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા 76 વર્ષીય ભરતકુમાર પ્રભુદાસ માખેચા વર્ષ 1974થી 2020 સુધી ઉદ્યોગનગર વિસ્તારમાં ભારત એબ્રેસિવ નામની બોક્સાઇટની ફેક્ટરી ચલાવતા હતા. એપ્રિલ 2014માં મુંબઈના મિત્ર સિદ્ધાર્થ પાટીલ મારફતે તેમની ઓળખાણ અશ્વિન વેમુરી સાથે થઈ હતી. અશ્વિને ઓમાનમાં રાજવી પરિવારના સભ્ય સાથે સંબંધો હોવાનું જણાવી લાઇમસ્ટોન માઇનિંગના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી હતી.

ફરિયાદ મુજબ, અશ્વિને રેડલાઇન ઇન્ટરનેશનલ એલએલસીનાં નામે ખાણકામની પરવાનગી અને લાઇસન્સ હોવાનો દાવો કર્યો હતો. વર્ષ 2014થી 2015 દરમિયાન ભરતભાઈએ ચેક અને આરટીજીએસ મારફતે આશરે દોઢ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ઓમાનની મુલાકાત દરમિયાન અશ્વિને તેમને ખાણ બતાવી દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. જોકે, બાદમાં તપાસ કરતાં ખાણ લાઇમસ્ટોનની નહીં પરંતુ માર્બલની હોવાનું અને લાઇમસ્ટોન માઇનિંગ માટેની કંપની તથા પરવાનગી ન હોવાનું જાણવા મળ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ 15 ફેબ્રુઆરી, 2016ના રોજ સમજૂતી કરાર (એમઓયુ) કરીને અશ્વિને વાજબી ગણતરી સહિત કુલ રૂ.1.74 કરોડ પરત આપવાનું નક્કી કર્યું હતું. આ રકમના ચાર ચેક બેન્કમાં જમા કરાવતાં બે વખત બાઉન્સ થયા હતા. નાણાં પરત ન મળતાં અને અગાઉની કાર્યવાહી બાદ ભરતભાઈએ ફરિયાદ નોંધાવી હતી. ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક