રાત્રીથી બપોર સુધીમાં પાંચ આંચકા અનુભવાયા : 2.9ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો નોંધાયો
તમામ
આંચકાનું કેન્દ્ર તાલાલા ગીરથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું
તાલાલા,
તા.24 : તાલાલા પંથકમાં ધરતીનાં પેટાળમાં ફરી હિલચાલ થતાં ભૂકંપના આંચકાનો સિલસિલો
શરૂ થયો છે. શુક્રવારની રાતથી શનિવારે બપોર સુધીમાં કુલ પાંચ આંચકા નોંધાતાં સ્થાનિક
લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં
ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરની વિગતો મુજબ, શુક્રવારે રાત્રે
9:57 કલાકે 2.2ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જ્યારે રાત્રે 10:18 કલાકે 1.8ની
તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. આ બન્ને આંચકાનું કેન્દ્ર તાલાલા ગીરથી આશરે 9થી
12 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું હતું. તેમની ઊંડાઈ 6થી 8.9 કિલોમીટર
જેટલી હતી. શનિવારે બપોરે માત્ર 11 મિનિટના ગાળામાં વધુ ત્રણ આંચકા નોંધાયા હતા. બપોરે
1:59 કલાકે 2.4ની, 2:02 કલાકે 2.9ની અને 2:10 કલાકે 1.7ની તીવ્રતાના આંચકા નોંધાયા
હતા. આ પૈકી 2.9ની તીવ્રતાનો આંચકો સૌથી મોટો હતો. આ ત્રણેય આંચકાનું કેન્દ્ર તાલાલા
ગીરથી આશરે 11 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં હતું. તેમની ઊંડાઈ 6.7થી 7.5
કિલોમીટર નોંધાઈ હતી.
ભૂકંપની
અસર તાલાલા પંથકના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલાં અનેક ગામોમાં અનુભવાઈ હતી. ટૂંકા
સમયગાળામાં વારંવાર આંચકા આવતાં ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. જોકે, જાનમાલના
નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.