સુપ્રીમ કોર્ટે હાલનાં તબક્કે
કોઈપણ વચગાળાનો આદેશ આપવા કર્યો ઈનકાર : મીઠાઈ ખાઈને દિવાળી ઉજવો
નવી દિલ્હી, તા.6: પ્રથમ જ્યોતિર્લિંગ
સોમનાથ મહાદેવ મંદિર આસપાસનાં વિસ્તારોમાં માંસાહારી ભોજનાલયો ઉપર મૂકવામાં આવેલી રોક
હટાવવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે,
મીઠાઈ ખાઈને દિવાળી મનાવો.
જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને પી.બી.પરાલેની
પીઠે ગુજરાત હાઈકોર્ટ તરફથી જારી કરવામાં આવેલા વચગાળાનાં આદેશમાં હસ્તક્ષેપનો ઈન્કાર
કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે સોમનાથ મંદિર આસપાસ માંસાહારી ભોજન રાંધવું,
વેચાણ કે સંગ્રહ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકેલો છે. જેની સામે દેશની શીર્ષ અદાલતનો
દરવાજો ખટખટાવનાર રેસ્ટોરાં માલિકો તરફથી દલીલ આપવામાં આવી હતી કે, આ આદેશથી તેનો કારોબાર
ખતમ થઈ જશે. દેશમાં 80 ટકા લોકો માંસ આરોગે છે. જેની સામે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું
કે, આમાં એક સંતુલન જાળવવું આવશ્યક છે અને હાલનાં તબક્કે કંઈ કહેવામાં આવશે નહીં. જો
કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને કહ્યું હતું કે, જેટલી જલ્દી શક્ય હોય, આમાં વચગાળાનો
આદેશ આપી દેવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,
હાઈકોર્ટને જલ્દી સુનાવણી કરવા કહેવામાં આવશે. આ મામલો વચગાળાનાં તબક્કામાં છે. આગળ
સુપ્રીમ કોર્ટે મજાકિયા સૂરમાં કહ્યું હતું કે, અત્યારે તો મીઠાઈ ખાઈને દિવાળી મનાવો,
નોનવેજને કિનારે રાખી દેવામાં આવે.
આ મામલો 10મી ઓગસ્ટે જિલ્લા કલેક્ટર
દ્વારા જારી જાહેરનામા સાથે જોડાયેલો છે. જેમાં મંદિર આસપાસ માંસ વેચાણ પ્રતિબંધિત
કરી દેવામાં આવ્યું હતું. જેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટની
સિંગલ બેંચે 30મી ઓક્ટોબરે અરજી સ્વીકારીને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. જેમાં
રાજ્ય સરકારે દલીલ આપી હતી કે, તહેવારોનાં સમયે કેટલાક વિશેષ ક્ષેત્રમાં માંસ, માછલી
અને માંસાહારી ભોજનથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ શકે અને અસુવિધા પણ પેદા થઈ
શકે છે. સિંગલ બેંચ દ્વારા આ પ્રતિબંધ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો પણ ડિવિઝન બેંચ
તરફથી આમાં વચગાળાનો સ્ટે લાગુ કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે મામલો સુપ્રીમ કોર્ટ
પહોંચ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે પણ આમાં માંસાહારી ભોજનનાં વેપારીઓને કોઈપણ રાહત
આપી નથી.