વિરાટ
વિજય હઝારે ટ્રોફીમાં જોડાય તેવી દિલ્હીના હેડ કોચ વિજય દહિયાની ઈચ્છા
નવી
દિલ્હી, તા.6: ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર-બેટર અને દિલ્હી ક્રિકેટ ટીમના હેડ કોચ
વિજય દહિયાએ વિરાટ કોહલીને લઈને એક નિવેદન આપ્યું છે. દહિયા દિલ્હીની ટીમ તરફથી આગામી
વિજય હઝારે ટ્રોફીમાં કોહલીની ભાગીદારી ઇચ્છે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે
કે જો કોહલી મેદાન પર રમવા ન ઇચ્છતો હોય, તો પણ તે માત્ર ડ્રાસિંગ રૂમમાં આવીને બેસે
જેથી યુવા ખેલાડીઓનું મનોબળ વધી શકે. વિજય
દહિયાએ જણાવ્યું હતું કે, જો વિરાટ રમવા માગતો હોય તો અમે તેને અમારી ટીમમાં જોવાનું
ચોક્કસ પસંદ કરીશું. હું તેને ખેલાડીઓ સાથે માત્ર સંવાદ સાધવા માટે પણ ટીમ સાથે જોડવા
માગું છું. હું તેને ઘરે જવા નહીં દઉં. હું તેને ડ્રાસિંગ રૂમમાં બેસાડીશ અને ટીમના
યુવા ખેલાડીઓને તેની સફર, સખત મહેનત, શિસ્ત અને દેશનું પ્રતિનિધિત્વ કરવાથી મળતા ગૌરવ
વિશે જણાવવા કહીશ. મેં વિરાટને તેની કારકિર્દીના દરેક તબક્કામાં નજીકથી જોયો છે. હું
યુવાઓને બતાવી શકું છું કે તેણે ક્યાંથી શરૂઆત કરી હતી અને આજે તે કયા શિખરે પહોંચ્યો
છે. દરેક માટે એક માર્ગ હોય છે. કદાચ તમે વિરાટ કોહલી ન બની શકો, પરંતુ જો કેટલીક મૂળભૂત
બાબતો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો સફળ ક્રિકેટર જરૂર બની શકાય છે.