નવી
દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે પડોશી દેશોના નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમો
વધુ કડક બનાવતાં નવા નોટિફિકેશન બહાર પાડયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી
બાંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ તેમજ નેપાળ અને ભુતાનના રસ્તેથી મુસાફરી
કરતા મુસાફરો પર સીધી અસર પડશે. આ નવા નિયમો મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગલાદેશથી
આવેલા છ બિનમુસ્લિમ સમુદાયોના લોકોએ ભારતમાં વસવાટ કરવા માટે નિયમ અનુસાર યોગ્ય શ્રેણીનો
વિઝા મેળવવો હવે ફરજિયાત બનશે.
આ નવા
નિયમો હેઠળ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોનો સમાવેશ થાય
છે. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર લાગુ થશે, જેઓ ધાર્મિક ઉત્પીડન કે તેના ડરથી 31 ડિસેમ્બર,
2024 સુધીમાં ભારતમાં આવ્યા હતા અને જેમની પાસે કાયદેસરના મુસાફરી દસ્તાવેજો નહોતા
અથવા તો જેમના દસ્તાવેજોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હતી. બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશન
મુજબ, હવે આવા લોકોએ ભારતમાં રહેવા માટે યોગ્ય વિઝા લેવો પડશે. અગાઉ સપ્ટેમ્બર
2025ના આદેશમાં આ સમુદાયોને પાસપોર્ટ અને વિઝાની શરતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી.