• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં સૂર્યકુમાર મુંબઈનો કેપ્ટન

મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સીનિયર પસંદગી સમિતિનો નિર્ણય

મુંબઈ, તા.5ઃ સૂર્યકુમાર યાદવ હવે ઘરેલુ ક્રિકેટમાં પોતાની કેપ્ટનશીપનો કસબ અજમાવશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સીનિયર પસંદગી સમિતિએ ચાલુ સીઝનની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી20) અને વિજય હજારે ટ્રોફી (વન-ડે) માટે મુંબઈની કમાન સૂર્યકુમારને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય ખાસ એટલા માટે છે કે ગત મહિને ટેસ્ટ ક્રિકેટના અભાવનું કારણ આગળ ધરી પસંદગીકારોએ રણજી ટ્રોફી ટીમમાં તેમની અવગણના કરી હતી. જોકે, ઓક્ટોબરમાં એમસીએ પ્રેસિડેન્ટ કપ દ્વારા સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરનાર સૂર્યા હવે ફરી કેપ્ટન તરીકે ફ્રન્ટફૂટ પર છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની મેચ 14 નવેમ્બરથી કોલકાતામાં હૈદરાબાદ સામે શરૂ થશે. મુંબઈને એલિટ ગ્રૂપ-ડીમાં ગુજરાત, વિદર્ભ, ગોવા અને ઓડિશા જેવી ટીમો સાથે મૂકવામાં આવ્યું છે. આ માટે 7 અને 9 નવેમ્બરે પ્રેક્ટિસ મેચો યોજાશે, જેના આધારે 9 નવેમ્બરે સત્તાવાર ટીમ જાહેર થશે અને 11 નવેમ્બરે ટીમ કોલકાતા રવાના થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ હેઠળ કેપ્ટનશીપ કરવાનો સૂર્યાનો તાજો અનુભવ ઘરેલુ ક્રિકેટની પાવરહાઉસ ગણાતી મુંબઈની ટીમને ટી20 અને વનડે ટ્રોફી જીતવા માટે નવી ઊર્જા અને વ્યુહાત્મક સંતુલન પૂરું પાડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક