રૂ.127.57 કરોડની યોજનાને ત્રણ
તાલુકાના લોકોને મળશે લાભ
કોડિનાર: રાજ્યના જળસંપત્તિ મંત્રી
ઈશ્વરાસિંહ પટેલ અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં કોડિનાર તાલુકાના
માલગામ ખાતે કોડિનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
અંદાજિત રૂ.127.57 કરોડના ખર્ચે
24 મહિનામાં પૂર્ણ થનાર આ યોજના અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાના અમલીકરણથી
દરિયા કાંઠાના ગામડાંઓમાં ક્ષારયુક્ત પાણીની સમસ્યાથી મુક્તિ મળશે. પીવાના પાણી માટે
સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલી ઓછી થશે.
શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ
વાજાએ જણાવ્યું હતું કે, કોડિનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત કોડિનાર તાલુકાના
60 ગામ, સૂત્રાપાડાના 13 અને ગીર ગઢડાના ત્રણ ગામને આવરી લેવાયા છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષોને ધ્યાને રાખીને
73 ગામની અંદાજિત 4 લાખ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી મળશે. હાલમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ
દિવસ 70 લિટરના પાણી પુરવઠાના સ્તરને વધારીને 100 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ સુધી
પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી
વર્ષોમાં આ 73 ગામોની અંદાજિત પાણીની માંગ આશરે 38.96 મિલિયન લિટર પ્રતિ દિવસ રહેવાની
ગણતરીના આધારે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ
જણાવ્યું હતું કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ
આવશે.
કોડિનાર જૂથ પાણી પુરવઠા યોજના
અંતર્ગત પાણીના સ્રોત તરીકે શિંગોડા નદીના પાણી તેમજ મહી-નર્મદા આધારિત બલ્ક પાઇપલાઇન
મારફતે મળતા પાણીનો ઉપયોગ કરવાનું આયોજન છે. માલગામ અને ઘાંટવડ ખાતે નવા જળ શુદ્ધિકરણ
પ્લાન્ટની જોગવાઈ પણ કરવામાં આવશે. આ યોજના હેઠળ અંદાજિત 177 કિલોમીટર લાંબી પાઇપલાઇન
પાથરવા ઉપરાંત 14 પમ્પિગ મશીનરી, 9 હેડવર્ક્સ સ્તરના સંપ, 56 ગામસ્તરના સંપ તથા બે
ઊંચી ટાંકીની માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન
બાંભણિયા, કોડિનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, કલેક્ટર જિતેન્દ્રાસિંહ વાઘેલા,
પ્રાંત અધિકારી અજય શામળા, પાણી પુરવઠા બોર્ડના ઝોન-5ના મુખ્ય ઈજનેર શશી વાઘેલા વગેરે હાજર હતા.