સૌરાષ્ટ્ર સામે 14 નવેમ્બરે પ્રથમ મુકાબલો
પટના,
તા.6: યુવા વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીને સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માટે બિહારની
સિનિયર ક્રિકેટ ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. કારકિર્દીમાં પ્રથમ વખત સિનિયર
ટીમનું નેતૃત્વ કરી રહેલા વૈભવને ટુર્નામેન્ટની પ્રારંભિક બે મેચો માટે 17 સભ્યોની
ટીમની કમાન સોંપાઈ છે, જ્યારે સૂરજ કશ્યપને વાઇસ કેપ્ટન બનાવાયો છે. બિહાર પોતાની પ્રથમ
મેચ 14 નવેમ્બરે ઈન્દોરમાં સૌરાષ્ટ્ર સામે રમશે.
ગ્રૂપ-બીમાં બિહાર સાથે દિલ્હી, હરિયાણા, પંજાબ,
રેલવેઝ, જમ્મુ-કાશ્મીર, સૌરાષ્ટ્ર અને તમિલનાડુ જેવી મજબૂત ટીમો સામેલ છે. વૈભવ સૂર્યવંશી
તાજેતરના સમયમાં ભારતીય ક્રિકેટમાં સૌથી ઝડપથી ઉભરી રહેલો સિતારો છે. આઈપીએલ 2026માં
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં તેણે 16 ઇનિંગ્સમાં 237થી વધુના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ
સાથે સર્વાધિક 776 રન ફટકારી ઓરેન્જ કેપ જીતી હતી. ભારત તરફથી વૈભવે ન્યૂઝીલેન્ડ સામે
તાજેતરમાં 19 બોલમાં 45 રન ઝૂડયા હતા. આ ઉપરાંત અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ
સામે માત્ર 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી ભારતને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય
ભૂમિકા ભજવી હતી. બીસીએના પ્રમુખ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, વૈભવે ખૂબ નાની ઉંમરે
અસાધારણ પ્રતિભા, આત્મવિશ્વાસ અને રમતની પરિપક્વતા દર્શાવી છે. આ કેપ્ટનશિપ તેને એક
લીડર તરીકે વધુ નિખારવાની ઉત્તમ તક પૂરી પાડશે.