સીંગતેલમાં
રૂ.1825.25માં 70-80 ટેન્કરના કામકાજ : કપાસ, રૂ બજારમાં કામકાજમાં સુસ્તી
સીંગદાણામાં
પાંચ હજાર ટનના વેપાર
રાજકોટ,
તા. 9 (ફૂલછાબ ન્યૂઝ): દિવાળીના દિવસે મોડી સાંજે કોમોડિટીઝ બજારમાં મુહૂર્તના કામકાજ
કરવામાં આવ્યા હતા. જોકે તમામ કોમોડિટીમાં તેજીનું વર્ષ હોવાથી ખેડૂતોની વેચવાલી સાવ
ઓછી હોવાથી વેપાર ધીમા હતા. માત્ર મુહૂર્ત સાચવવા પૂરતા સોદા થયા હતા. મગફળીમાં ગત
વર્ષના બે લાખ ગુણીના સોદા સામે ચાલુ વર્ષે માંડ 70 હજાર ગુણીના સોદા પડયા હતા. સીંગતેલમાં
પણ ધીમા કામકાજ હતા. જ્યારે કપાસ, રૂ અને કપાસિયા-ખોળના મુહૂર્તના સોદામાં સુસ્તી હતી.
સીંગદાણામાં પાંચ હજાર ટનના વેપારો હતા.
ગુજરાતમાં
ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. અલનીનોની અસરને લીધે વરસાદ નબળો પડતા ઉત્પાદનને
અસર થઈ છે. રાજ્યમાં 33.30 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ સોલવન્ટ એકસટ્રેકટર્સ
એસોસિએશન દ્વારા મૂકવામાં આવ્યો છે. જોકે ખરીફ આવક શરૂ થઈ ત્યારથી જ મગફળીની બમ્પર
આવક નોંધાઈ રહી છે. માર્કેટ યાર્ડ બંધ થયા એ પૂર્વે યાર્ડમાં આવક 4 લાખ ગુણી જેટલી
હતી. યાર્ડમાં ઉંચા ભાવ અને ખેડૂતોની પક્કડ મજબૂત હોવાથી મુહૂર્તના સોદામાં સુસ્તીનો
માહોલ હતો. બ્રોકરો પાસેથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રભરમાં દિવાળીના મુહૂર્તના
માંડ 70 હજાર ગુણીના સોદા કરવામાં આવ્યા હતા. જેમાં જાડી મગફળીના રૂ. 1610-1620 અને
ઝીણી મગફળીના રૂ. 1810-1820માં સોદા થયા હતા. સરકાર દ્વારા ટેકાનો ભાવ રૂ. 1503 નક્કી
કરવામાં આવ્યો છે. જોકે ખૂલ્લા બજારમાં ખેડૂતોનો ઉંચા ભાવ મળી રહ્યા છે.
ખાદ્યતેલ
બજારમાં પણ મુહૂર્તના ધીમા કામકાજ હતા. સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝમાં રૂ. 1825.25માં
આશરે 70-80 ટેન્કરના કામકાજ થયા હતા. ગત વર્ષે સીંગતેલમાં રૂ. 1375.25માં સોદા થયા
હતા. મગફળીના ઉત્પાદનમાં ઘટને પગલે સીંગતેલ ખૂબ મોંઘુ થયું છે. ડબાનો ભાવ ત્રણ હજારને
પાર પહોંચી ગયો છે. બીજી તરફ આયાતી તેલના ભાવ સસ્તા હોવાથી સાઈડ તેલ સસ્તા મળી રહ્યા
છે. કપાસિયા વોશમાં 1395નો ભાવ બોલાયો હતો. જેમાં આશરે 40-50 ટેન્કરના મુહૂર્તના કામકાજ
હતા. કપાસ અને રૂ બજારમાં મુહૂર્તના કામકાજમાં રસ ઓછો હતો. કપાસમાં વેપારો પાખા હતા.
સંકર રૂનો ભાવ રૂ. 66000-66200 હતો. જેમાં 10-15 હજાર ગાંસડીના સોદા થયા હતા.
કપાસિયામાં
એ ગ્રેડના રૂ. 875-895 અને બી ગ્રેડના રૂ. 855-875 હતા. ખોળમાં બ્રાન્ડેડના રૂ.
1925-1975 અને નોન બ્રાન્ડના રૂ. 1875-1925નો ભાવ હતો. જેમાં છૂટક વેપાર હતા.
સીંગદાણામાં
નિકાસ અને લોકલમાં આશરે પાંચ હજાર ટનના સોદા થયા હતા. ટીજે દાણાનો ભાવ 80-90 કાઉન્ટમાં
રૂ. 1,17,000 અને 50-60ના રૂ. 1,19,000માં હતા. જાવામાં 80-90ના રૂ. 1,27,000 અને
50-60ના રૂ. 1,35,000 હતા. બોલ્ડ દાણામાં 50-60ના રૂ. 1,17,000 અને 40-50ના રૂ.1,20,000
રહ્યા હતા.
કેશોદમાં
દિવાળીના દિવસે ચોપડા પૂજન બાદ મુહૂર્તના સોદા કરવામાં આવ્યા હતા. જેમાં મગફળી પીલાણના
રૂ. 30100 અને દાણાબર જી-20માં રૂ.34000માં મુહૂર્તના કામકાજ હતા. જેમાં આશરે 8-10
હજાર ગુણીના વેપારો હતા.
તાલાલા
પંથકમાં ગત વર્ષે 1500થી 2000 ગુણીનાં મુહૂર્તમાં વેપાર થયા હતા તે પણ સરકારના ટેકાના
ભાવથી ઓછાં ભાવે કામકાજ થયા હતા. તેની સામે આ વર્ષે 6100 ગુણી મગફળીના મુહૂર્તમાં વેપાર
થયા છે તે પણ સરકારના ટેકાના ભાવથી વધુ ભાવે થયાં છે. તાલાલા વિસ્તારના જથ્થાબંધ વેપારી
મનોજભાઈ દલાલનાં જણાવ્યા પ્રમાણે મગફળીની જુનાગઢ ડિલીવરી સાથે બોણીમાં થયેલા કામકાજ
પ્રમાણે 80 ટકા ડિલીવરી સાથે ટી.જે મગફળી રૂ. 33851, જી.20 મગફળી રૂ. 33851,પીલાણ મગફળી
રૂ. 30321 ભાવ સાથે કુલ 6100 ગુણીના વેપાર થયા છે. તાલાલા પંથકમાં આ વર્ષે 7078 હેકટરમાં
મગફળીનું સતાવાર વાવેતર નોંધાયું હતું. આ વર્ષે તાલાલા પંથકમાં 4 લાખ 25 હજાર ગુણી
મગફળી થવાની ધારણા વ્યક્ત થઈ રહી છે.
મગફળીની
સરકારી ખરીદી ક્યારથી થશે? કોઈ જાહેરાત નહીં !
ગુજરાત
સરકારે મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવા માટે લગભગ સાડા ચાર લાખ ખેડૂતોની નોંધણી કરી
લીધી છે. પરંતુ ખરીદી ક્યારથી થશે એની જાહેરાત હજુ સુધી નથી થઈ એટલે જે લોકોએ નોંધણી
કરાવી છે એ સૌ રાહમાં છે. સરકાર સામાન્ય રીતે લાભ પાંચમના દિવસે ખરીદી કરશે એવી જાહેરાત
દિવાળી પહેલા થઈ જતી હોય છે પણ આ વર્ષે જાહેરાત નથી થઈ. ગયા વર્ષે સરકારે ગુજરાતમાંથી
18.50 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. આ વર્ષે નહીંવત જથ્થો મળે એવું છે.