વિશાળ
મંડપ ઉભો કરાયો, અન્નક્ષેત્ર સહિત સુવિધા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત
માધવપુર
ઘેડ : ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા, મીની મથુરા તરીકે જાણીતા માધવપુર ઘેડ ખાતે
તા.11મીએ બુધવારે ભાઈબીજના પર્વ નિમિત્તે દરિયા
કિનારે યમુના સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિક ભાઈ-બહેનો ઉમટી પડવાની શક્યતા છે. આ
પ્રસંગને લઈને માધવપુરના દરિયા કિનારે અત્યારથી જ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી
છે. દર વર્ષે ભાઈબીજના દિવસે અહીં યોજાતા ધાર્મિક સ્નાન પ્રસંગે હજારોની સંખ્યામાં
શ્રદ્ધાળુઓ દરિયા કિનારે પહોંચીને સમુદ્ર સ્નાન કરે છે.
ઉલ્લેખનીય
છે કે ભાઈબીજના દિવસે યમુનાજીના સ્નાનનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. પૌરાણિક
માન્યતા મુજબ યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને ઘરે આમંત્રિત કરી ભાવપૂર્વક ભોજન કરાવ્યું
હતું. યમરાજે પ્રસન્ન થઈ વરદાન માંગવા જણાવ્યું ત્યારે યમુનાજીએ ભાઈબીજના દિવસે જે
ભાઈ-બહેન સાથે સ્નાન કરે અને બહેનના ઘરે ભોજન કરે તેમને યમરાજના ભયમાંથી મુક્તિ મળે
તેવું વરદાન માંગ્યું હતું. ત્યારથી ભાઈબીજના દિવસે યમુના સ્નાનનું વિશેષ મહત્ત્વ માનવામાં
આવે છે.
મથુરા
જઈને પવિત્ર યમુના સ્નાન ન કરી શકતા અનેક શ્રદ્ધાળુઓ માધવપુરના દરિયા કિનારે આવી સમુદ્ર
સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધે છે. લોકઆસ્થા મુજબ ભાઈબીજના દિવસે યમુનાજી માધવપુરના
દરિયાકિનારે પધારતા હોવાની માન્યતાને કારણે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
દરિયા
કિનારે આવતા હજારો ભાવિકોને તડકાથી રાહત મળે તે માટે વિશાળ માંડવા અને મંડપ બાંધી છાંયડાની
વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સેવાકાર્યમાં દુબઈના રસિકભાઈ સાગર, માધવપુરના બટુકભાઈ
સાગર તથા નગીનભાઈ પોપટ દ્વારા સુંદર મંડપ અને સામિયાણાનું આયોજન કરવામાં આવ્યું છે.
માધવપુરના વિવિધ ગ્રુપ અને સેવાભાવી આગેવાનો દ્વારા પણ ભક્તોને જરૂરી સુવિધા મળી રહે
તે માટે વિવિધ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત
માધવપુર આર.એસ.એસ. દ્વારા દરિયા કિનારે આવતા ભાવિકો માટે વિના મૂલ્યે પીવાના પાણીનું
વિતરણ કરવામાં આવશે. શિવકૃપા પ્રસાદમ દ્વારા વિના મૂલ્યે અન્નક્ષેત્રનું આયોજન કરવામાં
આવ્યું છે.
મોટી
સંખ્યામાં માનવમેદની ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા પોલીસ તંત્ર
દ્વારા પણ સુરક્ષાની વિશેષ તૈયારી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથાસિંહ
જાડેજા તથા ગ્રામ્ય ડીવાય.એસ.પી. સુતરિયાના માર્ગદર્શન હેઠળ અંદાજે 145 જેટલા પોલીસ
અધિકારી અને જવાનોને સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે.
ઉપરાંત
માછીમાર સમાજ દ્વારા ફ્રી બાટિંગ અને સતત પેટ્રાલિંગ હાથ ધરવામાં આવશે.