અમરેલી, તા. 14 : અમરેલી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ગિર પંથકમાં સિંહદર્શનની ઘેલછામાં કેટલાક સહેલાણીઓ દ્વારા વન્યજીવોની પજવણી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારી ગીર પંથકનાં ગામડાઓમાં પાંચ સિંહોના ટોળા પાછળ ફોર વ્હીલ વાહન દોડાવવામાં આવતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન્ય જીવ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
અમરેલી
જિલ્લાના ગિરના જંગલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો જોવા
માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. જો કે, આવી સિંહદર્શનની ઘેલછા ક્યારેક વન્યજીવો માટે જોખમી
બની રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન કેટલાક સહેલાણીઓ દ્વારા પાંચ સિંહોના ટોળા પાછળ
ફોર વ્હીલ વાહન દોડાવી સિંહોને હેરાન કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કુદરતી
વાતાવરણમાં મુક્તપણે વિચરતા સિંહોની પાછળ વાહન દોડાવી તેમને પરેશાન કરવાની આ હરકત વન્યજીવ
સંરક્ષણના નિયમો સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
આ સમગ્ર બનાવમાં કયા સ્થળે અને કયા લોકેશન પર આ વાહન
દ્વારા સિંહોની પજવણી કરવામાં આવી હતી તે અંગે હાલ વનતંત્ર અજાણ હોવાનું જાણવા મળે
છે. બીજી તરફ વાયરલ થયેલા વીડિયોને આધારે વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને
વાહન તથા તેમાં સવાર વ્યક્તિઓની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
એક
તરફ વનવિભાગ દ્વારા સિંહોના સંરક્ષણ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી
તરફ સિંહદર્શનના નામે કેટલાક બેજવાબદાર પ્રવાસીઓ દ્વારા સિંહોની પાછળ વાહનો દોડાવી
પજવણી કરવામાં આવતી હોવાની ઘટનાઓ વન્યજીવોની સુરક્ષા સામે ચિંતાનો વિષય બની છે. હવે
વાયરલ વીડિયો બાદ વનવિભાગ આવા બેજવાબદાર પ્રવાસીઓ સામે કેવાં પગલાં ભરે છે તેના પર
સૌની નજર મંડાઈ છે.
વિસાવદરના
ખંભાળિયા પાસે ટ્રેન અડફેટે સિંહણનું મોત
જૂનાગઢ
ચલાલા ટ્રેને સિંહણનો ભોગ લીધો
જૂનાગઢ,
વિસાવદર, તા. 14 વિસાવદર તાલુકાના ખંભાળિયા નજીક સવારે ટ્રેન નીચે ચગદાઈ જતા સિંહણનું
મૃત્યુ થતાં વન તંત્ર હરકતમાં આવ્યું છે અને સિંહણના મૃતદેહને મહામહેનતે ટ્રેન નીચેથી
બહાર કાઢી તપાસ હાથ ધરી છે.
સોરઠમાં
અપૂરતા વરસાદને કારણે જંગલમાં કુદરતી વહેણ સુકાઈ જતા અને વનરાયો પણ પાનખરમાં ફેરવાતા
વન્ય પ્રાણીઓ પાણી અને શિકારની શોધમાં જંગલ બહાર વિહરવા લાગ્યા છે. તેમાં આજે સવારે
વિસાવદરના ખંભાળિયા નજીક ઓઝત નદીના પુલ પાસે જૂનાગઢ ચલાલા ટ્રેન નીચે સિંહણનુ ચગદાઈ
જતા મૃત્યુ થયું હતું
આ બનાવની
જાણ થતા ટ્રેનને ત્યાં રોકી દેવાય હતી અને વિસાવદર પોલીસને જાણ કરતાં તેઓ દોડી આવી
હતી, આ અંગે વન વિભાગને જાણ કરી હતી તે સાથે જ આરએફઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી
આવ્યાં હતાં અને ટ્રેન નીચેથી સિંહણનો કપાયેલો મૃતદેહને બહાર કાઢયો હતો.
જૂનાગઢ
ચલાલા મીટરગેજ ટ્રેન ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે, પરિણામે વન્ય પ્રાણીઓનો ભોગ
લેવાય છે. આ ટ્રેનમાં ટ્રાફિક પણ નહીવત છે તેમ છતાં રેલ તંત્ર દ્વારા આ ટ્રેનને વન્ય
પ્રાણીઓના મોતના ભય વચ્ચે પણ યથાવત રાખી છે પરિણામે આવા બનાવો નોંધાઈ રહ્યા છે.
ગીર
જંગલ બોડર વિસ્તારના ગામોમાં વન્યપ્રાણીઓની અવરજવર જગ જાહેર છે અને ગ્રામ્ય વિસ્તારના
લોકો પણ વન્ય પ્રાણીઓથી ભય અનુભવી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા વન્ય પ્રાણીઓને
જંગલની બહાર જતા રોકી શકે તેમ નથી પરિણામે આવી ઘટનાઓમાં સિંહ, સિંહણ જેવા પ્રાણીઓનો
ભોગ લેવાઈ રહ્યો છે.