• રવિવાર, 15 નવેમ્બર, 2026

લક્ષ્ય સેન કુમામોટો માસ્ટર્સ જાપાન સુપર 500ની ફાઇનલમાં પહોંચ્યો

ઈન્ડોનેશિયાના અલ્વી ફરહાનને પરાજય આપ્યો

કુમામોટો, તા.14: ભારતીય સ્ટાર શટલર લક્ષ્ય સેને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા કુમામોટો માસ્ટર્સ જાપાન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. લક્ષ્યે શનિવારે રમાયેલી સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયાના યુવા સ્ટાર અલ્વી ફરહાનને 21-12, 15-21, 21-11 થી પરાજય આપ્યો હતો.

70 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં લક્ષ્યે ફરહાન સામે ત્રણ મુકાબલામાં પ્રથમ વખત જીત મેળવી છે. પ્રથમ ગેમમાં લક્ષ્યે શરૂઆતથી જ દબદબો બનાવતા 9-3 ની સરસાઈ મેળવી અને 21-12 થી ગેમ જીતી લીધી. જોકે, બીજી ગેમમાં એશિયન ગેમ્સના મેડલિસ્ટ ફરહાને સતત સાત પોઈન્ટ મેળવી 11-4 ની લીડ લીધી અને 21-15 થી ગેમ જીતી મેચમાં વાપસી કરી. ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કોઈ ગેમ ગુમાવ્યા બાદ લક્ષ્યે નિર્ણાયક ત્રીજી ગેમમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. 8-6 ના સ્કોર પર સતત પાંચ પોઈન્ટ મેળવી અને 21-11 થી ગેમ જીતી મેચ પોતાના નામે કરી હતી.

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ અને હાયલો ઓપન બાદ ચાલુ વર્ષે લક્ષ્યની આ ત્રીજી બીડબલ્યુએફ ટૂર ફાઈનલ છે, જ્યારે કુમામોટોમાં તે પ્રથમવાર ફાઈનલમાં પહોંચ્યો છે. હવે ખિતાબી જંગમાં તેનો મુકાબલો જાપાનના કોકી વાતાનાબે અને થાઈલેન્ડના કુનલાવુત વિટિડસાર્ન વચ્ચેની સેમિફાઈનલના વિજેતા સામે થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક