યાદશક્તિ ગુમાવતા એવોર્ડ મળ્યાનું જ ભૂલી જાય છે !
નવી
દિલ્હી. તા.14: ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગના દિગ્ગજ ખેલાડી રહેલા કર્ણાટકના 84 વર્ષીય
ઇજાયા અરુમૈનાયગમને આખરે એ સન્માન મળી ગયું છે, જેના તેઓ દાયકાઓથી હકદાર હતા. રાષ્ટ્રપતિ
ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને પ્રતિષ્ઠિત ’લાઈફટાઈમ અચીવમેન્ટ
અર્જુન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા.
પરિવાર
માટે આ ગર્વની ક્ષણ હોવા છતાં તેમાં ભાવુક કરી દેનારી પીડા પણ છુપાયેલી છે. વધતી ઉંમર
અને ડિમેન્શિયાની બીમારી સામે ઝઝૂમી રહેલા અરુમૈનાયગમ જીવનના આ સૌથી મોટા સન્માનને
ન તો પૂરી રીતે સમજી શકે છે કે ન તો લાંબો સમય યાદ રાખી શકે છે. તેમના પુત્ર ડેનિસ
ક્રિસ્ટોફરે ભાવુક થતા જણાવ્યું હતું કે, આ સન્માન ઘણું વહેલું મળવું જોઈતું હતું.
પિતાજીએ એવોર્ડ સ્વીકાર્યું તો છે, પરંતુ યાદશક્તિ નબળી હોવાથી બીજી જ ક્ષણે ભૂલી જાય
છે કે તેમને આટલું મોટું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે.
અરુમૈનાયગમ 1962ની જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ
મેડલ જીતનારી ઐતિહાસિક ભારતીય ટીમનો હિસ્સો હતા. આ ઉપરાંત, તેઓ 1964ના એએફસી એશિયન
કપની રનર-અપ ટીમ અને 1966-67ના મર્ડેકા કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ઘરેલુ ફૂટબોલમાં મોહન બાગાન તરફથી રમતા તેમણે 1962થી 1965 સુધી સતત 4 વખત કલકત્તા ફૂટબોલ
લીગ, સતત 3 વખત ડ્યુરાન્ડ કપ (1963-65), 3 વખત આઈએફએ શીલ્ડ અને 1966માં રોવર્સ કપ જીતીને
ટ્રોફીઓનો ખડકલો કર્યો હતો.