• સોમવાર, 16 નવેમ્બર, 2026

જગત મંદિરની ધજા આપણને જગન્નાથજી સુધી પહોંચાડશે : મોરારિબાપુ

મનુસ્મૃતિ દરેક ભારતીયનું ધાર્મિક સંવિધાન છે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદજી

દ્વારકા, તા. 14 : રેલના પાટા ઉપર ચાલી રહેલી મોરારિબાપુની ભારત સ્વસ્તિક રથયાત્રા રામકથાના બીજા ચરણનો આરંભ શનિવારે, લાભ પાંચમે દ્વારકાથી થયો છે. રવિવારે યાત્રા સોમનાથ અને સોમવારે ડાકોરજી પહોંચશે.

 દ્વારકા રેલવે સ્ટેશને યોજાયેલા સમારોહને સંબોધન કરતાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદજીએ કહ્યું હતું કે વસુધૈવ કુટુમ્બકમ અને સર્વે ભવંતુ સુખીન: ના મંત્રને કેન્દ્રમાં રાખીને આ યાત્રા થઈ રહી છે. કીડી જો હરિદ્વારથી ચાલતાં નીકળે તો કેટલા દિવસે ઋષિકેશ પહોંચે! પણ કોઈના ઝભ્ભા ઉપર બેસી જાય તો ? એમ સામાન્ય વ્યક્તિ આ આવડી મોટી યાત્રા કેમ કરી શકે ? પણ બાપુના અનુગ્રહથી આ લાભ મળ્યો છે.

 સ્વરૂપાનંદજીએ હિન્દુ ધર્મની પરંપરા, સનાતન ધર્મની ઉજ્જવળતાની વાત કરતાં કહ્યું કે જે લોકો સમજી નથી શકતા તેઓ મનુ સ્મૃતિની ટીકા કરે છે. આપણે ન સમજી શકીએ તે દોષ આપણો છે. મનુ સ્મૃતિ ભારતીયોનું ધાર્મિક સંવિધાન છે. યાત્રા આરંભ પૂર્વે મોરારિબાપુએ પ્લેફોર્મ ઉપર ઉપસ્થિત મેદની અને યાત્રીઓને કહ્યું કે સ્વસ્તિક યાત્રાનો વિચાર મારો નથી. આ તો ત્રિભુવનીય વિચાર છે. આ જગતમંદિરની ધજા આપણને જગન્નાથપુરી સુધી પહોચાડશે.

 શંકરાચાર્ય સ્વરૂપાનંદજીની ઉપસ્થિતિ માટે બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા લોકો મને પૂછે છે કે આટલી લાંબી યાત્રા કરો છો તમે થાકતા નથી? પણ હું કહું છું કે પંખો ફરતો રહે તો જ બીજાને હવા મળે. એમ સાધુ તો ચરૈવેતી ...ચરૈવેતી ...હોય. બાપુએ યાત્રાના આ બીજા ચરણ માટેનો રાજીપો વ્યક્ત કરી ભગવાન દ્વારકાધીશના આશિષથી આ યાત્રા આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક