• સોમવાર, 16 નવેમ્બર, 2026

‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ સેવામંત્ર સાથે આજે સૌરાષ્ટ્રમાં ગુંજશે જલારામ બાપાનો જયઘોષ

ક્ષ          સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ઉજવણી કરાશે ; ઠેરઠેર શોભાયાત્રા, મહાઆરતી, અન્નકૂટ, રક્તદાન કેમ્પ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

રાજકોટ, તા.15 : ટુકડો ત્યાં હરિ ઢુકડો અને ભજન કરો અને ભોજન કરાવોનાં સેવામંત્રથી સમગ્ર વિશ્વમાં માનવતા, ભક્તિ અને પરોપકારની પ્રેરણા આપનાર સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે તા. 16ને સોમવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વીરપુર, ભાવનગર, પ્રાચી અને સાવરકુંડલા સહિતનાં શહેર અને ગામોમાં ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વીરપુર : જલારામ બાપાની જન્મભૂમિ વીરપુરમાં જન્મજયંતીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામને ધજા-પતાકા, તોરણો, કમાનો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે રાત્રે વિવિધ ચોકમાં કેક કાપીને જન્મતિથિની ઉજવણી, આતશબાજી અને મહાઆરતી કરવામાં આવી હતી. મહિલાઓ માટે વિનામૂલ્યે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરત જિલ્લાના ઉન ગામના 35 જેટલા યુવાનોએ અનોખી રીતે પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી. આ યુવાનોએ સુરતથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરી અંદાજે 500 કિલોમીટરનું અંતર કાપીને ‘જય જલારામ’ના નાદ સાથે યાત્રાધામ વીરપુર આવી પહોંચ્યા હતા. આ સાયકલ યાત્રાનું વિશેષ આકર્ષણ એ રહ્યું હતું કે યુવાનો માત્ર જલારામ બાપા પ્રત્યેની શ્રદ્ધા જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિનો સંદેશ પણ સાથે લઈને આવ્યા હતા. સાયકલ યાત્રી પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 23 વર્ષથી તેઓ અલગ-અલગ સંદેશ અને વિચારો સાથે વીરપુર આવતા રહ્યા છે. આ વર્ષે તેમણે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને પ્રાધાન્ય આપીને સાયકલ યાત્રા યોજી હતી.

ભાવનગર : આનંદનગર સ્થિત જલારામ મંદિરે સવારે ધ્વજપૂજન, બાપાનું પૂજન અને 251થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવશે. બપોરે 12:15 કલાકે મહાઆરતી યોજાશે. રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન, મેડિકલ ચેકઅપ, થેલેસેમિયા પરીક્ષણ તથા ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પ માટેની વ્યવસ્થા કરાશે. સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન અને મહાપ્રસાદનો લાભ લે છે.

પ્રાચી : સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે લોહાણા રઘુવંશી સમાજ દ્વારા સમૂહ આરતી, પૂજન-અર્ચન, બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા તેમજ ધુમાડા વગરની સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે સમાજની સમૂહ પ્રસાદી પણ યોજાશે.

સાવરકુંડલા: શ્રી જલારામ સત્સંગ મંડળ, શ્રી જલારામ મંદિર અને શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા મંગળા આરતી, પૂજન, ધ્વજારોહણ, શોભાયાત્રા, રાજભોગ આરતી, સંત ભોજન, અન્નકૂટ દર્શન અને સંતવાણીનું આયોજન કરાયું છે. ઉપરાંત લોહાણા મહાજન વાડી ખાતે બપોરે 12:30 અને સાંજે 7:30 કલાકે રઘુવંશી સમૂહ જ્ઞાતિ ભોજન યોજાશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક