મગફળીની 2 લાખ 10 હજાર ગુણી આવક, કપાસ અપેક્ષા કરતા ઓછો આવ્યો તો સોયાબીન પુષ્કળ ઠલવાયાં
રાજકોટ,
જૂનાગઢ, ધોરાજી, તા.14: (ફૂલછાબ ન્યૂઝ) લાભ પંચમીએ વિવિધ બજારોમાં નવા વર્ષના કામકાજનો
શુભારંભ થયો હતો. માર્કેટ યાર્ડ સપ્તાહના બંધ પછી શનિવારે ખૂલતા મગફળી, કપાસ અને સોયાબીન
સહિતની જણસીની ચિક્કાર આવક થઇ હતી. ખેડૂતોએ લાંબી રજાઓ પછી મગફળી વેંચતા ગુજરાતભરમાં
આશરે 2 લાખ 10 હજાર ગુણી આવી હતી. જ્યારે કપાસની વેચવાલી તેજીની રાહે પાંખી રહેતા ફક્ત
1 લાખ 60 હજાર મણ આવક થઇ હતી. જોકે સોયાબીનથી જૂનાગઢ યાર્ડ ઉભરાયું હતુ.
દિવાળી
પૂર્વે માર્કેટ યાર્ડ ગત 6 નવે.થી બંધ હતા. જે લાભપાંચમે ખૂલ્યા હતા. અલબત્ત શનિવારનો
દિવસ હતો એટલે અપેક્ષિત આવક થઇ શકી ન હતી. મગફળી, કપાસ અને સોયાબીન સહિતની બધી ચીજમાં
આગળ જતા તેજીનું ધ્યાન હોવાથી ખેડૂતોની પકડ મજબૂત થઇ છે. જોકે ખેડૂતો પાસે નબળા ઉત્પાદનને
લીધે માલ પણ ઓછો છે.
રાજકોટ
યાર્ડમાં કપાસની 11500 મણ તથા મગફળીની આશે 60 હજાર ગુણી આવતા આવક બંધ કરી દેવી પડી
હતી. હવે જૂનો માલ પૂરો ન થાય ત્યાં સુધી આવકને પ્રવેશ નિષેધ રહેશે. મગફળીના ભાવ રૂ.1240-1820
અને કપાસના ભાવ રૂ. 1760-1880 સુધી હતા. યાર્ડમાં સોયાબીનની 6 હજાર ક્વીન્ટલની આવક
થઇ હતી. જીરૂની 4500 મણ તથા કઠોળની પણ નોંધપાત્ર આવક થઇ હતી. મુહૂર્તના કામકાજ ઉંચા
ભાવથી કરીને ઉપસ્થિત વેપારીઓ અને ખેડૂતોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતુ.
ગોંડલ
યાર્ડમાં 1 લાખ ગુણી કરતા વધારે મગફળી આવી
હતી. 25 હજાર કટ્ટા ડુંગળી તથા મરચાંની 15 હજાર ભારીની આવક થઇ હતી. એ સિવાય સોયાબીનની
આવક પણ પુષ્કળ હતી. પ્રથમ દિવસે મગફળીના કામકાજ આશરે 32 હજાર ગુણી આસપાસ થયા હતા.
જૂનાગઢ
માર્કેટ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક થઇ હતી. 20 કિલોના ભાવ રૂ. 1725 બોલાતા ખેડૂતો
આનંદિત થયા હતા. યાર્ડમાં શ્રીફળ વધેરીને હરાજીનો આરંભ કરાયો હતો. 15 હજાર કટ્ટા સોયાબીન
આવી ગયા હતા. યાર્ડ બહાર સવારથી જ ખેડૂતોની લાઇનો જણસી સાથે લાગી હતી. તુવેર, મગફળી
અને સોયાબીનથી યાર્ડ ઉભરાયું હતુ.
ધોરાજી
માર્કેટ યાર્ડમાંસપ્તાહની રજા પછી કામકાજનો આરંભ થતા યાર્ડ ધમધમ્યું હતુ. યાર્ડમાં
300 મણ મગફળીની આવક થઇ હતી. મગફળીનું ઉત્પાદન
ઓછું છે છતાં અત્યારે ઉંચા ભાવમાં ખેડૂતો મગફળી વેંચવા આવી રહ્યા છે. મગફળીનો ભાવ રૂ.
950-1100 હતો. જે ગયા વર્ષ કરતા વધારે છે.