• સોમવાર, 16 નવેમ્બર, 2026

ડરો નહીં નેહરુના પત્રો પરત કરો ઃ ભાજપનો સોનિયા ઉપર પ્રહાર

 નેહરુની જયંતીએ કહ્યું, નેહરુના પત્રો ભારતનો વારસો છે, કોંગ્રેસના પ્રથમ પરિવારે હજી પણ પરત નથી કર્યા

 

નવી દિલ્હી, તા. 15 ઃ દેશમાં 14 નવેમ્બરના રોજ ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની જયંતી ઉજવવામાં આવી હતી. આ દિવસે ભાજપે એક એવા વિવાદને ફરી ભડકાવ્યો હતો જે વર્ષોથી ચાલતો આવે છે. ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીને આગ્રહ કર્યો હતો કે, પૂર્વ પીએમ નેહરુ સંબંધિત પત્રોના 51 બોક્સ પીએમ સંગ્રહાલય અને પુસ્તકાલયને પરત કરવામાં આવે. ભાજપનો આરોપ છે કે 2008મા દસ્તાવેજો સંસ્થાન પાસેથી લઈ લેવામાં આવ્યા હતા. આ પત્રો ભારતના દસ્તાવેજી વારસાનો હિસ્સો છે. જે શોધકર્તાઓ અને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ હોવા જોઈએ.

એક્સ ઉપર એક પોસ્ટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને સવાલ કર્યો હતો કે નેહરુ સંબંધિત દસ્તાવેજો હજી પણ કેમ પરત કરવામાં નથી આવ્યા. તેમણે રાહુલ ગાંધીના વારંવાર ઉપયોગમાં લેવાતા નારા ‘ડરો મત’નો ઉલ્લેખ કરીને દસ્તાવેજોની વાપસી સુનિશ્ચિત કરવા કહ્યું હતું. કેસવને કહ્યું હતું કે, નેહરુની જયંતિએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રથમ પરિવારમાં હિંમત છે કે રાષ્ટ્રીય હિત વિરૂદ્ધ કામ કરવાનું બંધ કરે અને નેહરુના પત્રોને પરત કરે. જેના ઉપર દેશનો હક છે. તેમણે કહ્યું હતું કે આ પત્રોમાં નેહરુ અને એડવિના માઉન્ટબેટન વચ્ચે થયેલા પત્રાચાર સાથે અન્ય પ્રમુખ હસ્તીઓ સાથેની વાતચીત સામેલ છે.

 

ભારતની બદનામીથી સત્તા નહીં મળે ઃ રાહુલ ઉપર શાહનો પ્રહાર

 

નવીદિલ્હી, તા.1પ ઃ કેન્દ્રની મોદી સરકાર ઉપર વોટ ચોરીનો આરોપ લગાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર જવાબી પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભારત અને તેની લોકતાંત્રિક સંસ્થાઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકાસ કામોને બદનામ કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે આવી રીતે ભારતની બદનામીથી સત્તા નહીં મળે. રાહુલ ગાંધી સત્તામાં પરત આવવા માગતા હોય તો તેમણે વિદેશ જવાનું બંધ કરવું પડશે. તેમણે ગામડાઓમાં જવું જોઈએ. અન્યથા હજી 30 વર્ષ સત્તા વિહીન રહેવું પડશે. અમિત શાહ પૂણેમાં રાષ્ટ્રીય હેવી એન્જિનિયરિંગ સહકારી ક્ષેત્રને ફરીથી બેઠું કરવાની પહેલની આધારશીલા રાખવાનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ સતત ચૂંટણીઓ હારી રહ્યો છે. આ નિરાશામાં જ પક્ષ હવે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર દેશ અને તેનાં નેતૃત્વને નિશાન બનાવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક