• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે

ઉત્તર ભારતના ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે, આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 16ઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળાની ઋતુ જામી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યના લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જેના પગલે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધુ તેજ બનવાની શક્યતા છે.

ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઊંચું રહેતા સામાન્ય ગરમીનો અહેસાસ થાય છે, જ્યારે સૂર્યાસ્ત બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. દિવસના મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ રાત્રિના લઘુતમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધશે.

રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો રાજકોટમાં 21.7 ડિગ્રી, અમદાવાદમાં 21.2 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી અને વડોદરામાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. બદલાતી ઋતુ અને તાપમાનમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને વહેલી સવારે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ મોડી રાત્રે મુસાફરી કરતા વાહનચાલકોને ગરમ વસ્ત્રો પહેરવા અને સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક