• મંગળવાર, 17 નવેમ્બર, 2026

કુલ ટોલ આવક રૂ. 6,352 કરોડની સપાટી વટાવી ગઈ પાંચ વર્ષમાં ગુજરાતની ટોલ આવકમાં 94.4 ટકાનો જંગી વધારો

ઓક્ટોબરમાં જગુજરાતના વિવિધ હાઈવે પરથી 2.39 કરોડ વાહનો પસાર થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 16ઃ રાજ્યમાં મજબૂત બનેલા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધેલી ઔદ્યોગિક હલચલની સીધી અસર હવે ટોલ વસૂલાતના આંકડાઓ પર જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની ટોલ આવકમાં 94.4 ટકાનો જંગી વધારો નોંધાયો છે, જેની સાથે કુલ ટોલ આવક રૂ. 6,352 કરોડની સપાટી વટાવી ગઈ છે. રાજ્યના હાઈવે પર વાહનોનું ભારણ પણ સતત વધી રહ્યું છે. તાજેતરના આંકડા મુજબ, એકલા ઓક્ટોબર મહિના દરમિયાન જ ગુજરાતના વિવિધ હાઈવે પરથી અંદાજે 2.39 કરોડ વાહનો પસાર થયા છે.

હાઈવે નેટવર્કના વિસ્તરણ અને વાહનોની વધતી સંખ્યાને કારણે રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પરથી દૈનિક સરેરાશ રૂ. 17.64 કરોડની ટોલ વસૂલાત થઈ રહી છે. આ આંકડા રાજ્યના આર્થિક અને વ્યાપારી વિકાસની ગતિ દર્શાવે છે. ટોલ આવકના વિશ્લેષણ મુજબ, હાઈવે પરિવહનમાં કોમર્શિયલ અને ભારે વાહનોનું પ્રભુત્વ સ્પષ્ટપણે જળવાઈ રહ્યું છે. કુલ ટોલ વસૂલાતમાં એકલા ભારે માલવાહક વાહનોનો હિસ્સો 84.5 ટકા જેટલો નોંધાયો છે, જે રાજ્યમાં વેપાર અને ઉદ્યોગોની વધી રહેલી ગતિવિધિઓનો પુરાવો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક