બન્ને આરોપીને 17 વર્ષે જામીન અપાયા ઃ દોષિતો 17 વર્ષથી વધુ સમયથી જેલમાં સજા કાપી રહ્યા હોવાનો મુખ્ય આધાર રજૂ કરાયો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.16ઃ બિલ્કીસ બાનો ગેંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના ગુનામાં દોષિત ઠરેલા
બે દોષિતોને સુપ્રીમ કોર્ટે 17 વર્ષે જામીન આપ્યા છે અને તેમની આજીવન કેદની સજા પર
રોક લગાવી દીધી છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની ખંડપીઠે
28 ઓક્ટોબરે આ આદેશ આપ્યો હતો. આ ચુકાદામાં
17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવવા અને એક દોષિતની દિવ્યાંગતાને મુખ્ય આધાર બનાવવામાં
આવ્યો છે.
સુપ્રીમ
કોર્ટે બિલ્કીસ બાનો કેસના 11 દોષિતો પૈકીના વિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રમણલાલ
મોઢિયાને જામીન આપવામાં આવ્યા છે તથા તેમની સજા પર રોક લગાવતો હુકમ કરવામાં આવ્યો છે.
જોકે ગુજરાત સરકારે આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો,
તેમ છતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અપીલમાં તથ્યો અને કાયદા સાથે જોડાયેલા મુદ્દાઓ
પર વિચાર કરવાનો બાકી છે. હવે સંબંધિત ટ્રાયલ કોર્ટ જામીનની શરતો નક્કી કરશે અને તેની
સાથે જ દોષસિદ્ધિ સામેની અપીલ પર સુનાવણી ચાલુ રહેશે. અગાઉ ટ્રાયલ કોર્ટે સુપ્રીમ કોર્ટમાં
આરોપીઓ વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ પક્ષ રજૂ કર્યો હતો.
સરકાર
તથા અન્ય પક્ષે હાજર એડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરે અને વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે અરજદારોની
દલીલોનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરતા જણાવ્યું કે, નીચલી અદાલતોએ ખાસ કરીને
ગુનાની ગંભીરતાને જોતાં રેકોર્ડ પરની તમામ
સંબંધિત સામગ્રીને યોગ્ય રીતે ધ્યાનમાં લીધી હતી.
પોતાના આદેશમાં ખંડપીઠે જણાવ્યું, બંને પક્ષોને સાંભળ્યા
બાદ, એટલું નોંધવું પૂરતું છે કે અરજદારો 17 વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે. એ પણ હકીકત
છે કે અરજદારોમાંથી એક ગંભીર વિકલાંગતા ધરાવે છે. ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લેતા
અને આ અપીલમાં સામેલ બાબતોને વિચારતા, અમે સજાને સ્થગિત કરીએ છીએ અને અરજદારોને જામીન
આપીએ છીએ. આ જામીન સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવનારી શરતોને આધીન રહેશે
તેમ સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય
છે કે, 2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોમાં બિલ્કીસ
બાનો સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા
કરી દેવામાં આવી હતી.